પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૯


શ્રદ્ધાના તેઓ પાત્ર થશે. કુમુદ ગુણીયલબા ઉપર જે અનુકૂળતા તમારા ચતુર પિતાની હતી તેવી આપણા વિદ્વાનો ઉપર ઈંગ્રેજોની થશે, અને એ પિતાની તેમ પિતાના કુટુમ્બની સંભાળ લેવાની જે શક્તિ ગુણીયલબાને તેમની ક્ષમાએ, ઉદારતાએ, ધીરતાએ, સ્વાર્પણે, અને ચતુરતાએ આપી હતી તેવી શક્તિથી આપણા વિદ્વાનો આપણા દેશની સંભાળ લેતાં શીખશે ત્યારે સર્વનું કલ્યાણ થશે. મ્હારી આવી શ્રદ્ધા છે માટે જ સર્વ કરતાં હું આપણા વિદ્વાનોને મ્હારા હૃદયમાં સતતવાસ આપું છું, અને તેમને માટે આવી આવી ચિન્તાઓ કર્યા કરું છું.

કુમુદ૦– તમે તેમને માટે શું ઈચ્છો છો?

સર૦- તેમનાં ગૃહરાજ્યમાં ગુણસુન્દરીયો, કુમુદસુન્દરીયો, સૌભાગ્યદેવીયો, ને ચન્દ્રાવલીયો ફરતી જોવા ઈચ્છું છું. તેમનાં વૈભવ વધેલા જોવા ઇચ્છું છું. તેમના ભંડાર ભરાતા જોવા ઇચ્છું છું. તેમને આધિ અને વ્યાધિથી મુક્ત, આરોગ્ય, સુશરીર, સ્વસ્થ, અને સ્વતંત્ર જોવા ઇચ્છું છું. એમને ત્યાં સરસ્વતી અને લક્ષ્મીના સમાગમ દૃઢ જોવા ઇચ્છું છું. એમને ત્યાં પ્રીતિ અને સદ્ગુણના સહચાર થતા જોવા ઇચ્છું છું. એમનામાં દેશોન્નતિની વાસનાઓને વીર્યવતી અને ફલવતી થતી જોવા ઈચ્છું છું. કુમુદસુન્દરી ! રાત્રે આપણે જે મહાન્ રાફડાઓ જોયા તે રાફડાઓની ધુળ તેમનાં શરીરની ચારે પાસેથી ઉડી જાય અને સોનાની ખાણના પ્રદેશ ઉપરની કાઞ્ચનની રેતીનાં વાદળ એમની અાશપાશ, ઉડી રહે એવું જેવા ઇચ્છું છું. એ રેતી કાઞ્ચનમયી થાય ને આ રાફડાઓમાંનાં સર્વ જન્તુઓને એ કાઞ્ચનની સમૃદ્ધિ મળે, રંગીન ને શ્વેત પ્રકાશના માર્ગોમાં પ્રવૃત્તિ મળે, અને સ્થાને સ્થાને જે મણિમય ઉદ્યાનમાં આપણે ઉભાં હતાં એવું અંહી થઈ જાય એ જોવાની મ્હારી તીવ્ર વાસના છે.

કુમુદ૦– એ વાસના કેવાં સાધનથી તૃપ્ત કરવા ધારો છો ?

સર૦- એ સાધનનું બીજ દ્રવ્ય મ્હારી પાસે હતું તે મ્હેં નાંખી દીધું.

કુમુદ૦- તમે મને ઑસ્ટેનનું વાક્ય એક કાળે સંભળાવ્યું હતું કે It is a truth universally acknowleged that a man in possession of a good fortune must be in want, of a wife. આમાં પણ તમારા સાધનનું બીજ કંઈ રહ્યું નથી ?

સર૦– છે તો છે, ને નથી તો નથી.