પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૨

હાથની વાત નથી. પ્રીતિની ઉત્પત્તિ જેવી અનિવાર્ય છે તેવી તેની નિવૃત્તિ પણ અસાધ્ય છે. અને તેટલા માટે જ પ્રમાદધનના મન્દિરમાં સરસ્વતીચંદ્રની અનુકમ્પા તમે કરી તે ધર્મરૂપ જ હતી.

કુમુદ૦– શુદ્ધ ઐાષધબળે આંખનાં પડળ ખરી પડે છે તેમ શુદ્ધ પરમ જ્ઞાનથી પ્રીતિનો પટ હૃદયમાંથી સરી પડે છે એમ મહાત્માઓના અનુભવ છે.

સર૦– તે સત્ય છે. પણ પ્રારબ્ધવાદનો અને જ્ઞાનનો પણ દુરુપયોગ થાય છે. જે કાળે ધર્મથી કંઈ ક્રિયા કર્તવ્ય થાય છે તે કાળે પ્રારબ્ધવાદી થઈ બેસી ર્‌હેવું ને ક્રિયાના આરમ્ભમાંથી નિવૃત્ત થવું એ મહાન અધર્મ છે. પ્રારબ્ધવાદનો ઉપયોગ સુખદુઃખની નિવૃત્તિને માટે છે, ધર્મની નિવૃત્તિને માટે નથી; તેમ જ જ્ઞાનનો ઉપયોગ અલક્ષ્ય સ્વરૂપના પ્રબોધને માટે છે. લક્ષ્યધર્મની નિવૃત્તિને માટે નથી; અહંકાર અને મમતાના પ્રધ્વંસને માટે છે, સર્વ ભૂતાત્મતામાંથી ઉત્પન્ન થતા પંચમહાયજ્ઞના પ્રધ્વંસને માટે નથી. આરંભવાચક પ્રારબ્ધમાં અનારંભના ધર્મ જોનાર, કર્મ શબ્દનો અકર્મ ભાગ્યવાચક અર્થે પ્રયોગ કરનાર, ઉંધી પુતળીની આંખોવાળાં જન્તુ આપણે પેલા રાફડાએામાં જોયાં તેમણે આ દેશનાં સજીવ પવનને અને પાણીને સ્થાને જડ ચીકણી માટીના ખડક ઉભા કર્યા છે. તેમની તામસી દૃષ્ટિના પ્રભાવથી જ જ્ઞાનનો આવો દુરુપયોગ થયો છે, આત્માગ્નિના યજ્ઞ હોલાઈ ગયા છે, ને દેખીયે છીયે એ દેશકાળ આપણે શિર ખડો થયો છે. અહંકાર ને મમતામાંથી ઉત્પન્ન થયેલી સકામ અને વાસનાયુક્ત પ્રીતિ આપણા સૂક્ષ્મ શરીરમાંથી ખસી જાય તો તે જ્ઞાનનું સાફલ્ય છે. નિરહંકાર અને નિર્મમ સર્વભૂતાત્મકતાના પરિણામરૂપ નિષ્કામ ફલ-અભેાગી મહાયજ્ઞોમાં પ્રીતિ જ્યારે સાધન થાય છે ત્યારે જ એ યજ્ઞમાં આહુતિ શુદ્ધ સત્વર અને સંપૂર્ણ થાય છે. જીવ, ઈશ્વર, ને બ્રહ્મની જેવી ત્રિપુટી ગણી છે તેવી જ ક્રિયા, ધર્મ, ને જ્ઞાનની ત્રિપુટી છે. ધર્મને ક્રિયાના નિયન્તાનો અધિકાર છે, ને જ્ઞાન તે નિર્ગુણ અને કૃતકૃત્ય ધર્મનું ફળ છે. ધર્મ કૃતકૃત્ય થાય ત્યાં સુધીનું જ્ઞાન સંસિદ્ધ દશામાં સોળે કળાથી પ્રકાશ પામતું નથી અને ધર્મવિનાનું સંપૂર્ણ ક્‌હેવાતું જ્ઞાન તે, ગ્રસ્ત થયેલા સંપૂર્ણચન્દ્ર જેવું, છતે પ્રકાશે, અંધકારરૂપ છે. એકલા આવા જ્ઞાનનું સેવન કરનારની ગતિને શ્રુતિમાં અંધતિમિરથી ભરેલી કહી છે અને તેવા જન્તુ “અસૂર્ય” લોકને પ્રાપ્ત કરે છે એમ કહેલું છે. અંહીના સાધુજને આનો મર્મ સમજે છે.