પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૩

આવા ગ્રહણથી મુક્ત થયલું જ્ઞાન તે જ સાત્વિક જ્ઞાન છે અને એજ જ્ઞાનપદને પામનાર સાધુજન બ્રહ્માદ્વૈત પામે છે. એવા સાત્વિક જ્ઞાનરૂપ થયલાં સાધુજનોના મનુષ્યયજ્ઞોમાં પ્રીતિ સોમરસનું કામ કરે છે; અને, કુમુદસુંદરી, શું તમારે માટે, કે શું આ દેશને માટે, માંડેલા મ્હારા મહાયજ્ઞને માટે પ્રાપ્ત થયેલા મ્હારા સોમરસને હું ધર્મરૂપ જ ગણું છું ને તે ઉપરથી ઈંગ્રેજ કવિનું વાક્ય સમજજો કે–

”Tis better to have lov'd and lost
Than never to have lov'd at all.[૧]

કુમુદ૦– પ્રીતિ પણ શું વાસના નથી ?

સર૦– સકામ વાસનારૂપ પ્રીતિ તે વાસના છે, તે કામથી ઉત્પન્ન થાય છે ને કામક્ષયથી ક્ષીણ થાય છે. નિષ્કામ પ્રીતિ જ્વાલારૂપ છે, પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના પરસ્પર ગુરુત્વાકર્ષણના જેવી સહચાર પ્રદક્ષિણાની સાધક છે, અને કેવળ સ્વયંભૂ છે. એ સ્વયંભૂ છે માટે જ જ્ઞાનવિના અન્યથી નિવાર્ય નથી, ને પ્રીતિ ધર્મ્ય હોય છે ત્યારે જ્ઞાન પણ એનું નિવારક નથી. માતાપિતાની પ્રીતિનું નિવારણ કોઈ જ્ઞાન કરતું નથી. તે સઉ આ કારણની કલ્પનાથી સ્ત્રીપુરુષની પ્રીતિને આપણા લોક ક્ષુદ્ર ગણે છે. તે તેમાં વાસનાની કલ્પનાથી. આર્યસંસાર એવો ક્ષુદ્ર થઈ ગયો છે કે દમ્પતી વચ્ચે પ્રીતિનું મૂળ કામવાસના વિના કે પુત્રવાસના વિના અન્ય હોવાનો સંભવ પણ સ્વીકારતું નથી એવું ચંદ્રકાંત ક્‌હેતો હતો અને તેના ક્‌હેવામાં કોણ જાણે કેટલું સત્ય હશે ?

કુમુદ૦- ત્યાગ કાળે આપે દેશહિત દ્રવ્ય વિના કેવી રીતે કરવા ધારેલું ?

સર૦- સંસારમાં સ્થાને સ્થાને યાત્રા કરી, અવલોકન કરી, બોધ આપી,–

કુમુદ૦- ભગવાન બુદ્ધની પેઠે ?

સર૦– કંઈક એમ જ.

કુમુદ૦- હવે વિચાર શાથી ફર્યો ?

સર૦- નવા જોયલા રાફડાના ગઠ્ઠા એવા તો બાઝી ગયા છે કે તે પ્રકાશથી પીંગળે એમ નથી, અગ્નિથી બળે એમ નથી, ને કુહાડાથી ખોદી નંખાય એમ નથી. જ્યાં નાગલોકનાં મણિ અને વિષ પણ નિષ્ફળ થાય છે ત્યાં મ્હારા જેવાના શબ્દોદ્ગારની શી શક્તિ ? બુદ્ધ ભગવાનની


  1. *Tennyson's “In Memoriam.”