પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૭


હતા. એ આરા ઉપર સરસ્વતીચન્દ્ર સર્વની સાથમાં ફરતો હતો તેવામાં શંકાપુરી ને શાન્તિદાસ પણ ત્યાં આવી ચ્હડયા. સરસ્વતીચન્દ્ર જરાક સઉથી છુટો પડી ઉભો ત્યાં શંકાપુરી એની પાસે આવી પહોચ્યો ને ધીમે રહી એના કાનમાં ક્‌હેતો હોય તેમ બોલ્યો:

“નવીનચન્દ્ર, સાધુનો વેશ લેઈ આવાં કામ કરે છે? પણ સરત રાખજે કે પસ્તાવું પડશે. See how you dissipate yourself under this mask !”

એને ઈંગ્રેજી બોલતો જોઈ અને આવાં વાક્ય ઉચ્ચારતો જોઈ સરસ્વતીચન્દ્ર કંઈક ચમક્યો, પણ તરત સ્વસ્થ થઈ બેાલ્યો; “ ભાઈ હું ધારું છું કે સાધુતાનું રહસ્ય તમે જાણશો તેમ તેમ મને એાળખશો, અને તેમ તેમ આ શબ્દો તમને દુઃખ કરશે; માટે સંસારની પ્રપંચજાળનાં સ્વપ્ન જોવાનો અભ્યાસ નીચલા દેશમાં પડ્યો છે તે ભુલી જઈ સુન્દરગિરિના અભ્યાસના સંસ્કાર પામવા જેટલું ધૈર્ય આણો ને તે પછી મ્હારો ન્યાય જે કરવો હોય તે કરજો.”

સુરદાસ અને માયાપુરી સાધુઓ આમની પાછળ ઉભા હતા તેમણે આ ચર્ચા સાંભળી ને કંઈક ક્રોધ કરી આગળ આવ્યા ને માયાપુરી શંકાપુરીને હાથ ઝાલી બેાલ્યો. “ઉત્તમાધિકારી સાધુજનની સાથે રાખવાનો વિનયધર્મ જે સાધુ પાળી શકતો નથી તે સુન્દરગિરિનો પણ અધિકારી નથી અને પુનઃ આવું વર્તન કરશો તો મણિરાજ મહારાજે આપેલા અધિકારથી ગુરુજી તમને નિમ્ન પ્રદેશમાં મોકલી દે એવી સૂચના મ્હારે કરવી પડશે.”

શંકાપુરી શાંતિદાસને લેઈ બેાલ્યા વિના ચાલ્યો ગયો અને કોટની બીજી પાસ સાધ્વીએ હતી ત્યાં જઈ તેમનાથી છેટે એક રસ્તાને છેડે બેસી કુમુદસુન્દરી સામે તાકી તાકીને જોવા લાગ્યો. કુમુદસુન્દરી જરાક ચમકી ને એને છળતી જોઈ બીજી સાધ્વીએાએ એની આશપાશ વીંટાઈ વળી ભક્તિ ને વામનીને શંકાપુરી પાસે મોકલી.

વામની૦- બિન્દુમતીને ત્રાસ દેનાર તમે ખરા કની ?

શંકા૦– તે પુછવાનો તમને શો અધિકાર?

ભક્તિ૦– તમે સંસારમાંથી નવા આવેલા જાણી સાધ્વીઓએ એક વાર તમને ક્ષમા આપી છે, જ્યાં સાધ્વીજનો વિશ્રાંતિ લેવા કે વિહાર કરવા બેઠી કે ફરતી હોય ત્યાં આમ બેસી ર્‌હેવું ને દૃષ્ટિને નિરંકુશ રાખવી તે સંસારીયોમાં નિર્દોષ ગણાતું હશે, પણ અમારે ત્યાં અસાધુતા ગણાય છે.