પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૮

માટે તમને પુછવાનો તો શું પણ અવશ્ય લાગે તો ઉચકીને આ શિલાઓ ઉપરથી નીચલા પ્રદેશમાં પડો એમ ગગડાવી પાડવાનો પણ અમને અધિકાર છે. તે અધિકાર વાપરવા જેટલી અમારી સંખ્યા અને શારીરક શક્તિ છે. માટે કૃપા કરી ચાલ્યા જાવ – નહી તો અમારો પૂર્ણ અધિકાર અમે વાપરીશું.

શંકા૦– ક્ષમા કરજો. અમે સહજ બેઠા હતા તે જઈયે છીયે. આ બનાવો ગુફામાં જઈ સઉ ભુલી ગયાં, અને સાયંકાળે સરસ્વતીચંદ્ર પોતાની ગુફામાં છેક ઉપલી અગાશીમાં બેસી ચારે પાસની સુન્દર ચિત્ર જેવી સૃષ્ટિને શાંત વૃત્તિથી એક પાસથી જોતો જોતો બેઠો અને પોતાની પાછળ આવી ઉભેલી કુમુદસુન્દરીના પગનો ઘસારો આ જોવાની લ્હેમાં સંભળાયો નહી. થોડી વારે કુમુદ જ ધીમે રહી બોલી.

"સરસ્વતીચંદ્ર !"

સરસ્વતીચંદ્રે પાછળ જોયું, કુમુદ થોડે છેટે બેઠી, ને બે જણ સૃષ્ટિને જોવા લાગ્યાં. થોડી વારમાં આકાશમાં ચન્દ્રબિમ્બ દેખાયું ને, અંધકાર વધ્યો તેમ તેમ, પ્રકાશમાં વધવા લાગ્યું. તો પણ દિવસ હજી અસ્ત થયો ન હતો અને ચારે પાસનાં પર્વતનાં શિખરો, આઘેનાં ઝાડો, અને તેથી આઘેની ભૂરેખા, એ સર્વે ઉપરથી રંગ ખસી જતા દેખાતા હતા અને સટે એકલા આકાર એને છાયાની સૃષ્ટિ દૃષ્ટિમર્યાદામાં ઉપસી આવતી હતી. પક્ષીઓ પૃથ્વીમાં સમાઈ ગયાં લાગ્યાં ને માત્ર છેક ઉંચે કોઈક પક્ષી દેખાતું ન દેખાતું હતું. આ સર્વે સૃષ્ટિ ઉપર ઉંચેથી આવતી ચન્દ્રની ચંદની પથરાતી હતી – બીડાતી હતી. થોડી વારમાં તે બીડાઈ જ ગઈ અને દિવસ ડબાઈને બે ૫ડની વચ્ચે થઈને બહાર નીકળી ગયો લાગ્યો. અા શાંતિને પોતે વધારતી હતી કે તોડતી હતી એની સમજણ કોઈને પડે નહી એવી રીતે આ સર્વ જોતી જોતી કુમુદ બોલી.

"વિવાહવિધિમાં વર કન્યાને ક્‌હે છે કે હું આકાશ ને તું પૃથ્વી - તેશાથી ? આ મનોરથનું રહસ્ય શું હશે ને વિવાહથી એ મનોરથ કેવી રીતે પુરાતો હશે ? ”

સર૦– આકાશ પૃથ્વીનું આચ્છાદન કરે છે ને જળ વર્ષે છે, ને પૃથ્વી તે ધારે છે.

કુમુદ જરાક અચકી, ને અટકી, કંઈક ઓઠ કરડી, અંતે બોલી એટલો સ્થૂલ અર્થ જ હશે ? ”