પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૯


સરસ્વતીચંદ્ર આ પ્રશ્નથી સજ્જ થયો ને વિચાર કરી બોલવા લાગ્યોઃ “નાસ્તો ! આપણાં શાસ્ત્ર પ્રમાણે પૃથ્વીના અંગભૂત યા સમુદ્રનું પાણી આકાશમાં ચ્હડે છે ને આકાશ મેઘરૂપ ગર્ભનું ધારણ કરે છે, તે મેઘ પૃથ્વી ઉપર વર્ષે છે ને પૃથ્વી એ વૃષ્ટિના સિંચેલા જળને ગર્ભરૂપે ધરે છે, ને તેમાંથી અનેક સમૃદ્ધિઓને રસિક રૂપરંગ આપી પરમ પુરુષના મહાયજ્ઞને સમૃદ્ધ કરે છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ અર્થ જોતાં પૃથ્વી જેવી સ્ત્રીના હૃદયના રસ આકાશ જેવા આચ્છાદક પુરુષના હૃદયમાં ચ્હડે છે, ત્યાં ગર્ભરૂપે ર્‌હે છે અને ત્યાંથી પાછા સ્ત્રીના હૃદયમાં સુવૃષ્ટ થાય છે. સ્ત્રી પણ એ રસથી સગર્ભા થઈ નવી સમૃદ્ધિઓને જન્મ આપે છે તે દમ્પતીના યજ્ઞમાં ઉપયોગી થાય છે. કુમુદસુંદરી ! સૂક્ષ્મ રસની પ્રથમ ઉત્પત્તિ જેવી સ્ત્રીના હૃદયમાં છે તેમ એ રસનો લય પણ એજ હૃદયમાં છે ને ફળદાતા પણ એજ હૃદય છે. પુરુષ તો માત્ર મધ્યકાળે એ રસને લેનાર થઈને તેનો જ પાછો આપનાર થાય છે.”

કુમુદ૦– એટલો બધો વિચાર આ ઉપમામાં હશે?

સર૦– એની સાથે જ બીજી ઉપમા છે કે સ્ત્રી તે ઋચ્ છે ને પુરુષ તે સામ છે. ઋફસંહિતાના સાગરમાંથી સામની ઉત્પત્તિ છે ને સ્થિતિ છે તેવીજ સમુદ્રવાળી પૃથ્વીમાંથી આકાશના મેઘની, ને તેવીજ સ્ત્રીના હૃદયમાંથી પુરુષના હૃદયની, ઉત્પત્તિ સ્થિતિ છે.

કુમુદ૦- જો એટલું હોય તે બીજું આ પણ તેમાં ખરું કે પૃથ્વીના સાગરનું ખારું પાણી આકાશના જ પ્રતાપથી મીઠું થાય છે ને ઋક્‌સંહિતાના ઉચ્ચાર સામરૂપ પામીને ગાનરૂપ થાય છે. સ્ત્રીહૃદય પણ પુરુષના હૃદયને પામીને અને પુરુષના હૃદયની શક્તિથીજ જીભને, ને કાનને માટે મધુર થઈ જતું હોય તો હોય.

સરસ્વતીચંદ્રે સ્મિત કર્યું: “સ્વપ્નનું મંગળસૂત્ર અત્યારે પણ તમારા હૃદયને શક્તિ આપતું દેખાય છે. તમે ક્‌હો છો તે પણ સત્ય છે. માટે જ લોકયાત્રામાં પ્રીતિરથના બે અશ્વ પેઠે એક ધુરીએ જોડાયલાં દમ્પતી હૃદય રથમાં બેઠેલાં દમ્પતીજીવનનું વહન કરે છે ને તેમના યજ્ઞ તેમના પરસ્પરબળથી વેગ પામે છે.”

કુમુદ૦- લોકયાત્રાને માટે આવી ધુરીએ જોડાવું તે વિવાહ ! એમ જ કે નહી ?

સર૦– એમ જ.

કુમુદ૦– આપણા દેશમાં તેની અવસ્થા કેવી હશે ?