પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૦


સર૦– આ પ્રશ્ન મ્હારું દુ:ખ તાજું કરે છે ! કુમુદસુન્દરી, આવી ધુરીઓ આપણા દેશમાં તો પેલા રાફડાએામાંથી નીકળેલી તેજસ્વી છાયાઓ જેવી જ છે – ને બાકી તો રાફડાએમાંનાં માટી ને જન્તુ તમે જોયાં.

કુમુદ૦– આપણે તે રાફડામાંથી મુકત થયાં છીયે.

સર૦– આપણાં સૂક્ષ્મ શરીર તમારા જ રસને ધારે છે.

કુમુદ૦– પણ એ રાફડાએાને સ્થાને તેની પાસેના પ્રકાશમય કુંડ કે તળેના મણિમય માર્ગ શું કોઈ દિવસ પણ નહી ઉત્પન્ન થાય ?

સર૦– ઈશ્વરને શું અશક્ય છે? પણ એ રાફડાઓ પ્રકાશમય થતાં ઘણી વાર ને ઢીલ થશે ને તેટલામાં પરદેશી પવનથી એ રાફડા સુદ્ધાંત તેમના આધારભૂત ખડકોની શી સ્થિતિ થશે તે કલ્પાતું નથી. પરદેશી અગ્નિરથમાંનાં મનુષ્યોની ત્વરા આગળ આપણાં ક્ષુદ્ર જંતુઓ પ્હોચી વળવાનાં નથી ને જ્યારે ચારે પાસથી પવન વાશે ત્યારે તે સર્વે દોલાયમાન થશે. કુમુદસુન્દરી ! પાશ્ચાત્ય પવનના ઝપાટાઓ વચ્ચે આપણા રાફડાઓ ઉભા છે તેના કણેકણ અાકાશમાં ઉડશે. એ રાફડાએાની રેતીનાં ઉડતાં વાદળ આ પૃથ્વી પરના અત્યારના અન્ધકાર પેઠે જામી જશે ને આટલો ચન્દ્ર દેખાય છે તે પણ પાછલી રાત્રે અસ્ત થશે.

કુમુદ૦– આ રાત્રિનો અન્ધકાર ચન્દ્રની ચન્દ્રિકાથી ચંપાય છે ને ચન્દ્રના અસ્ત પછી થોડી વારે જ સૂર્ય ઉદય પામશે.

સર૦– તમારું મંગળસૂત્ર આજના જાગૃતમાં ઉજ્જૃમ્ભણ પામે છે ને મ્હારા નેત્ર આગળ આપણી અને આકાશની વચ્ચે કંઈ નવાં જ સત્ત્વ તરતાં ઉડતાં દેખાય છે.

કુમુદ૦- આ ગુફાઓમાંનાં પુતળાં જીવતાં થઈ ઉંચે ઉડતાં હોય એમ લાગે છે. મ્હારી આંખો નિદ્રાથી ઘેરાય છે.

કુમુદ અગાશી વચ્ચે નિદ્રાવશ થઈ ગઈ – સુઈ ગઈ.

સરસ્વતીચંદ્ર પણ નિદ્રામાં પડ્યો.

ચંદ્રિકા ચળકતા પાણીમાં રમતી હોય તેમ આમનાં શરીર ઉપર રમવા લાગી. આકાશમાં ચંદ્ર ચળકતા રુના ઢગલા જેવા એક લાંબા વાદળાથી છવાતો હતો. થોડી વારે કોણ જાણે ક્યાંથી થોડું થોડું ચારે પાસ ઝાકળ પડવા લાગ્યું ને કોણ જાણે ક્યાંથી આમનાં મસ્તિકમાં સ્વપ્ન સરવા લાગ્યાં. થોડી વારમાં કુમુદ ઝબકી ઉઠી ને સરસ્વતીચંદ્રને ઉઠાડી ક્‌હેવા લાગી.