પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૧


“અંહી ઝાકળ પડે છે, આપણે નિદ્રાળુ છીયે, નીચે જઈ સુઈએ ચાલો.”

નિદ્રામાં ડોલતો ડોલતો સરસ્વતીચંદ્ર આગળ ચાલ્યો. એને સંભાળતી સંભાળતી કુમુદ પાછળ ચાલી. નીચે જઈ એક ઓટલા ઉપર સરસ્વતીચંદ્ર સુઈ ગયો ને બીજી પાસને ઓટલે કુમુદ સુઈ ગઈ. પળ વારમાં નિદ્રા આવી તો તેને પગલે સ્વપ્ન પણ આવવા લાગ્યું – બેને એક જ સ્વપ્ન થયું.

સ્વપ્નનો પ્રથમ ચમકારો થયો તેની સાથે સિદ્ધાંગનાઓની પ્રસાદીઓ જાતે પ્રાપ્ત થઈ ગઈ. તેજોમય વસ્ત્રના છેડાએાથી બે જણ સંધાયાં, પાંખો પ્રાપ્ત થઈ અને તેની સાથે જ સૌમનસ્યગુફાની અગાશીમાંથી બે જણ ચન્દ્રલોક ભણી ઉડવા લાગ્યાં. થોડી વારમાં તેમની અને પૃથ્વીની વચ્ચે ઘણું અંતર પડી ગયું. ઉડ્યાં તેવામાં તો ક્‌વચિત્ ધુવડ અને કવચિત્ ચકોર વિના બીજું કોઈ પક્ષિ તેમને મળતું ન હતું. ધીમે ધીમે તે સર્વ પણ બંધ થયાં અને માત્ર ચન્દ્રના પ્રકાશથી ચળકતાં વાદળાં ચાર પાસ છુટાં છવાયાં ઉડતાં મળ્યાં. ધીમે ધીમે તે પણ બંધ થઈ ગયાં. નીચેની પૃથ્વી છાયા અને ચન્દ્રિકાના સંયોગથી દ્વિરંગી લાગવા લાગી અને ઉપરનું આકાશ ઉંચું જતું દેખાયું ને તારામંડળ પાસે આવતું લાગ્યું.

આવે સ્થાને બે જણ દશે દિશાઓની સુન્દરતા જોવા ઉડતાં ઉડતાં અટકયાં ને અદ્ધર લટકયાં - ત્યાં તેમની સામે ક્ષત્રિયવેશધારી છાયા આવતી દેખાઈ. મલ્લરાજના ભાયાત સામંતરાજની તે મૂર્તિ હતી. સરસ્વતીચંદ્રે તેને ઓળખી ને એ બોલે તે પ્હેલાં આ છાયા જ બોલી.

“સરસ્વતીચંદ્ર, મ્હારી રાજભક્તિથી આ દેશ સુધી હું આવ્યો છું પણ સિદ્ધનગરમાં પ્રવેશ પામવાનો અધિકાર સાત્ત્વિક દૃષ્ટાઓને જ છે ને હું તેવો દૃષ્ટા થાઉં ત્યાં સુધી આ બાહ્ય દેશમાં ફરું છું. મને જે અધિકાર મૃત્યુ પછી પણ મળ્યો નથી તે તમને આજથી છે તો મ્હારા ઉપર એક કૃપા કરજો. આ મ્હારા પોપટને તમારી જોડે આવવા દેશો તો આવશે. મ્હારી વાસનાઓ ને જિજ્ઞાસાઓ તેને જિવ્હાગ્રે છે ને તમે જ્યાં જશો ત્યાં તે તેના ઉચ્ચાર કરે ત્યારે ત્યારે સાંભળજો ને તેને કોઈ ઉત્તર ન આપે તો તમે આપજો. એની જિવ્હા એ ઉત્તર મને કહી બતાવશે એટલે મ્હારી વાસના શાંત થશે ને જિજ્ઞાસા તૃપ્ત થશે તેની સાથે મ્હારી દૃષ્ટિ સાત્ત્વિક થશે એવો સિદ્ધાદેશ છે.”

સર૦– એટલું હું આનન્દથી કરીશ. પણ અમે કેણી પાસ જઈએ છીયે તે તમે કહી શકશો?