પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૩


કુમુદ૦– આ દોરીયો કોણ ખેંચે છે?

સર૦- એક પાસ પૃથ્વીનો પૂર્વ ભાગ છે ને બીજી પાસ પશ્ચિમ ભાગ છે તે બેનાં પ્રાણીયો જુદાં જુદાં છે તેમાંથી કોઈ ખેંચે છે ને કોઈ નથી ખેંચતાં.

કુમુદ૦– આ પેલી પાસ કીયો પ્રદેશ છે?

સર૦– એ ભૂમધ્ય સમુદ્ર પાસેના ગિરિરાજ છે તે અંહીથી પાળે જેવા લાગે છે. તેના પશ્ચિમ તટ ઉપર અર્જુનનો વાયુરથ આજ ચાલે છે. એના પૂર્વ તટ ભણી એ રથની પુઠ છે.

કુમુદ૦- પૂર્વ તટે કોણ વસે છે ને પશ્ચિમમાં કોણ વસે છે ?

સર૦– આ રથ પ્રથમ એ પાળોના પૂર્વ ભાગમાં ને દક્ષિણ ભાગમાં ચાલતો હતો. હાલ તમે જુવો છો કે એ પશ્ચિમ તટથી પણ પશ્ચિમમાં જતાં છેક પશ્ચિમે દ્વીપ છે ત્યાં કપિલોક વસે છે ને આ રથનાં સુવર્ણસૂત્ર એ કપિલોક અતિબળથી ખેંચે છે. એની નીચે જે પક્ષિરાજ બીજું સૂત્ર ખેંચે છે તે દિવસે ગરુડ થાય છે ને રાત્રે ચકોર થાય છે - આપણને તે આજ ઉભય રૂપે દેખાય છે તે આ ચિન્તામણિની શક્તિથી. ત્રીજી પાસથી ઉપરનું સૂત્ર પેલો ગજરાજ ખેંચી રહેલ છે ને તેની દક્ષિણે ટૌકા કરતો રસિક મયૂર એક સૂત્ર ખેંચે છે.

આ વાક્ય નીકળી રહ્યું તેની સાથે સામન્તનો પોપટ ઉડવા ને ગાવા લાગ્યો.

“ હા ! હા !

"केकामिर्नीलकण्ठस्तिरयति वचनं ताण्डवादुच्छिखण्डः ।
"कान्तामन्तः प्रमोदादभिसरति मदभ्रान्तरश्चकोरः ॥
"गोलाङगूलः कपोलं छुरंयति रजसा कौसुमेन प्रिवायाः ।
"क्ं याचे यत्र तत्राप्यनवसरग्रस्त एवार्थिभावः॥[૧]

કુમુદ૦- આ વૃદ્ધ શુક શું ક્‌હેછે ને કોની વાતો કરે છે અને એને શું જોઈએ છીયે?

સર૦- આપણા દેશની દેશવત્સલ રાજસી વાસનાઓનું સૂક્ષ્મ જીવન તે આ સિદ્ધનગરનો પુરાણ પોપટ છે. આપણા દેશનો ઉદ્ધાર કેમ થાય તે વિષયનું એ રાત્રિદિવસ રટણ કર્યાં કરે છે. એ વાસનાની તૃપ્તિને માટે એ અર્થી છે ને એ તૃપ્તિને માટે જ યોગ્ય સ્થાને યાચના કરે છે."


  1. ૧. માલતીમાધવ.