પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૪


આ પોપટ વળી બોલવા લાગ્યો.

“હું કાંઈ જેની તેની પાસે યાચના કરતો નથી. પણ મ્હારી યાચના સાંભળી તેને સફળ કરવાના અધિકારી પાસે જ જવાનો વિચાર કરું છું. પરંતુ ત્યાં પણ તેમની પોતાની પ્રવૃત્તિને લીધે મ્હારું કોઈ સાંભળે એમ નથી તેથી આ પાંખો ઉપર એક વૃક્ષથી બીજે વૃક્ષે આથડું છું. આ પુરાણ પ્રાચીન મયૂર મૂળ કાર્તિકસ્વામીનું વાહન હતો ને રોમના રાજ્યમાં એના ટૌકા થતા હતા ત્યારે અર્જુન ત્યાં મેઘ પેઠે વર્ષતો હતો. કાર્તિકસ્વામી ત્યાંથી ગયા તો પણ મયૂરને પાછળ મુકીને ગયા ને આજ સુધી એ મયૂર ચિરંજીવ રહ્યો છે તે ઘડીમાં પીછાંનો કલાપ કરી નૃત્ય કરે છે ને ઘડીમાં કલાપને સંકેલી દે છે ને ઘડીમાં પાડી નાંખે છે. હાલમાં તેનો કલાપ ઉઘડે છે પણ એ મયૂરનામાં પોતાની મયૂરીનું પોતાના જ વૃક્ષ ઉપર રંજન કરવા ઉપરાંત વધારે શક્તિ, વૃત્તિ, કે ગતિ કાંઈજ નથી તેની યાચના કરીને શું કરું ? એ દેશના સંસારથી મ્હારા દેશના સંસારે શી સૂચના લેવી ? એ મયૂરની પોતાની ગતિ બહુ ઉંચી હવે નથી. તે જાતે રમણીય, સુન્દર, ને રસિક છે પણ મ્હારા દેશમાં એના જેવા મયૂર થઈ ગયા છે ને નાશ પણ પામ્યા છે.”

પોપટ આટલું બેાલ્યો ત્યાં મયૂરે ઝાલેલા સૂત્રમાંથી સ્વર નીકળવા લાગ્યા :

“મૂર્ખ પોપટ ! દેખે તેને માટે સ્થાને સ્થાને ઉપદેશ છે ને વધારે દેખનાર આત્મપરીક્ષકને તો પોતાના જીવનમાં જ ઉપદેશ છે. ત્હારો દેશ મ્હારા દેશ જેવો એક કાળે હશે; પણ તું જોતો નથી કે ત્હારા દેશમાં જે અનેક ખડકો બંધાયા છે ને તેના પર રાફડા બંધાયા છે તે તમારાં જન્તુઓને જડ કરી નાંખે છે, તેમની ગતિને રોકે છે, તેમની દૃષ્ટિને અન્ધ કરે છે, તેમના કાનને બધિર કરે છે, ને તેમનાં રસેન્દ્રિયને માટીનાં રસિક કરી મુકે છે ? કીયા અધિકારથી આવો દેશ અર્જુનનો પ્રસાદ ઇચ્છે છે? મ્હારા દેશની સ્થિતિમાંથી હીરા જેવા વ્યાધિ મ્હેં વેળાસર દૂર કરેલા છે. ઘડીમાં પડી, ઘડીમાં ઉઠી, અસ્તોદયનાં અનેક ચક્રોમાં ફરી હું સજીવ રહ્યો છું ને આજ અર્જુનના વિમાન સાથે ઉડું છું!”

પોપટ બીજી દોરી જોવા લાગ્યો ને ક્‌હેવા લાગ્યો “ આ દોરી ઝાલી રાખનાર પારીસ નગરના અને દેશના ચકોર ! તું દિવસે ગરુડની ગતિ અને શક્તિ ધરાવે છે ને રાત્રે ચકોર થઈ ચન્દ્રબિમ્બ ભણી ઉડે છે ! ત્હારામાં બળ અને રસ ઉભય છે ! મ્હારા દેશમાં પણ