પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨


શંકર૦-“ પણ તમારા લોકમાં હોળી સળગે ત્‍હોય અમારે શું અને તમારા પ્રજાસંઘમાં દીવાળી પ્રકટે ત્‍હોય અમારે શું ? તમારા લોકનો ઉદય ઇચ્છવા અમારે પ્રલયકાળ ઇચ્છવો એ કયાંનો ન્યાય ? રાવસાહેબ. Morality, Law ને Religion – નીતિ, ન્યાય, ને ધર્મ-- સર્વ ઉપર તમે પાણી ફેરવો છો.”

વીર૦– “He who would rush into the front ranks, must tread upon somebody's corns, આખા દેશનો ઉદય જ્યાં સાધ્ય છે ત્યાં ચાર મરવા પડેલાં રીબાતાં રાજયોના પ્રાણ શમી જાય તો શું થયું ? એ વ્યાપારથી એ રાજયોની પ્રજા પણ સુખી થશે અને અમને સહાય થશે. આવા મહાન સાધ્ય આગળ ન્યાય, નીતિ, અને ધર્મ પ્રતિરોધ કરે તો તે પ્રતિરોધ દૂર કરવા. ક્ષત્રિયો યુદ્ધ કરે ને વચ્ચે ગાય આવે તો યુદ્ધ અટકાવવું નહી પણ ગૌવધ આવશ્યક હોય તો કરવો અને યુદ્ધ પુરું થયે તેનું પ્રાયશ્ચિત્ત કરવું !”

સભાના મ્‍હોટા ભાગે આ શબ્દ સાંભળતાં કંપારી ખાધી અને વીરરાવ ભણી તિરસ્કાર અને ખેદભરેલી દૃષ્ટિ કરી. વીરરાવે તેને ગાંઠી નહી.

વિધા૦-“ રાવસાહેબ, આપણે હાલ ન્યાય, નીતિ અને ધર્મનાં ગહન પ્રકરણોમાં નહી ઉતરીયે. માત્ર ઈતિહાસ, સાધ્ય સાધન, અને ભવિષ્યની ચર્ચા કરીશું. તમે એમ ધારો છો કે જે સામ્રાજ્યના તમે અંશ છો તેના અમે અંશ નથી ? ”

વીર૦-“That's it. અલબત, બે જણ તેના અંશ છીયે અને માટે જ હું કહું છું કે એ આખા શરીરનો આ એક અવયવ ક્‌હોયો છે તેને કાપી નાંખવો કે એ અવયવનું વિષ આખા શરીરમાં વ્યાપી ન જાય. એક ભાગને રોગ અને આખા શરીરને તેનું ભય – એ સત્ય, અને તે પાયા ઉપર રચવાનો તે ધર્મ, ન્યાય, અને નય – કે જેનાથી આખા શરીરનું કલ્યાણ થાય.”

વિદ્યાo-“ તો હવે તમે શોધો કે અમારાથી તમને લાભ શો અને હાનિ શી ?”

વીરo-“ શું શોધવું છે ? દેશી રાજ્ય કદી ઠેકાણે આવવાનાં નથી. એ રાજ્યોના મર્મભાગોમાં રહેલી ખટપટ એમના રાજાઓને ભ્રમિત કરે છે અને અમારે ત્યાંથી જે સારા માણસ ત્યાં જાય તેને એ ખટપટ અને એ રાજાઓના ભ્રમ બગાડી નાંખે છે અને એનો ચેપ અમને લાગેછે. દુખવા આવેલી આંખો સામાની આંખોને દુખવા આણે એમ તમારાં રાજ્યોની