પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૯

આમળા ઝાલ્યા તેની સાથે તેનાં ઉપસૂત્ર જુદાં પડી ગયાં. એ ઉપસૂત્રો અંહી વલોવવાના વલોણાની દોરીયો પેઠે ચારે પાસ ઉડવા લાગ્યાં ને તેના છેડાઓ પૃથ્વીની ચારે પાસના સમુદ્રમાં બોળાવા લાગ્યા. એ સમુદ્ર પોતાના ભવ્ય વિસ્તાર સાથે નીચે અને ચારે પાસ ખળખળ બોલતો પ્રત્યક્ષ થયો ને તેના તરંગો ઉંચા ઉંચા ઉછળવા લાગ્યા ને ચન્દ્રનાં અસંખ્ય પ્રતિબિમ્બોનાં વક્રીકરણ પામેલાં કિરણથી ચળકવા લાગ્યા. આ કેવળ સમુદ્ર નહી પણ ક્રમેક્રમે મહાસાગર જણાયો. થોડી વારમાં એ મહાસાગર પૃથ્વીના પંચમહાસાગરથી ભરેલો દેખાયો.

સર૦– આ દિવ્ય સ્વપ્નની સહચારિણી પ્રિયા ! આ મહાસાગરોનો ઠાઠ તો જો ! કેટલા દ્વીપ ! કેટલા ખંડ ! તરંગનો ને ખડકોનો તો પાર જ નથી !

કુમુદ૦– એ મ્હારા પ્રિયતમ ! આ મહાસાગરો ઉપર ચારે પાસ કપિલોકનાં યૂથનાં યૂથ ચાલે છે ! જ્યાં દ્વીપ ત્યાં દિવ્ય શક્તિવાળા વાનરોને દેખું જ છું ! આ લોક ઘડીકમાં વાયુને વશ કરે છે તો ઘડીકમાં એનાં મોજાંને જ વશ કરે છે ને ત્રીજે સ્થાને અગ્નિને ને આકાશમાંની વીજળીને વશ કરે છે !

સર૦– વરુણ, વાયુ, અગ્નિ, અને ઇન્દ્ર સર્વ અર્જુનને સાધનભૂત થયા છે ને અર્જુને તેમના દેશમાં પોતાનો રથ ફેરવેલો છે. કુમુદ ! આવા આ રથ જ્યાં ફરે ત્યાં સત્યયુગ સમજવો એવા અર્જુનના પિતા ઇન્દ્રનો ઉપદેશ છે.[૧]

પોપટ–પણ બીજા લોકને મુકી આ કપિલોકમાં આજે કેમ આટલું બળ છે ?

સર૦– અર્જુન કપિકેતન છે તેનું બધું રહસ્ય આપણા ચિરંજીવો ક્‌હેશે. પણ એ કપિલોક ચરે છે તેથી ઇન્દ્રપુત્ર તેનો પક્ષપાત કરે તે જ સ્વાભાવિક છે. આપણા લોક સુઈ ર્‌હે છે માટે તેમાં કલિયુગ છે અને આ લોક ચરે છે માટે સ્વર્ગનો મહારાજ તેમનો મિત્ર જ છે. इन्द्र एच्चरतः सखा ! એ ઇન્દ્રનું જ વચન છે, એ ઇન્દ્રનો પુત્ર આવા પ્રવાસ ન કરે તો બીજું કોણ કરે ? કુમુદ ! ઉત્તમ સ્વપ્નની સહચારિણી પ્રિય કુમુદ ! ઇન્દ્રરાજે કહેલા કૃતયુગના તીર ઉપર ચરતાં આ અનેક સત્વોને જોઈલે ! આ મયૂર અને ચકોર કેવળ પક્ષિધર્મથી ઉડે છે ને પેલા છેટેના


  1. ૧. આ પ્રકરણને મથાળે મુકેલા ઐતરેય બ્રાહ્મણના શ્લોક