પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૦

કપિલોકને તો શું પણ પેલા મયૂરને અને ચકોરને પણ છાંટે છે ! ચકોરને ચંદ્રદર્શન છેટેથી જ થાય છે, પણ આપણે ત્યાં તે બુદ્ધ ભગવાન ચંદ્રલોકમાં જાતે ગયા છે ને તેમની સાથે પચાશ કોટિ મનુષ્યોને ચંદ્રયોગ થયો છે. આપણા આવા દેશનાં બાલક ચંદ્રલોક પામશે. ક્ષત્રિય યુગનો નાશ પરશુરામે કર્યો, જાદવાસ્થલીથી થયો, તેમ આ ચકોર પણ આ કાળમાં સનાતન ધર્મને બળે આવા યુગનો નાશ દેખે છે તેમાં તું અસંભવિત શું જુવે છે ? જો ! જો ! સર્વ પૃથ્વીના લોક બ્રાહ્મણ થઈ જશે ને આપણા બ્રાહ્મણો શુદ્ધ થયા છે તે પણ બ્રાહ્મણ થશે. શૂદ્ર ને મ્લેચ્છ સર્વ લોક એક બ્રહ્મરંગની શાંતિમાં રંગાશે ! સર્વત્ર અલખ લખ થશે ! જો ! જો ! કપિલોકના પરસ્પર કોલાહલ આપણને બ્હેરા કરી મુકે છે, કપિલોકે આપણાં શસ્ત્ર લેઈ લીધાં છે, આપણાં ધનસંગ્રહ તેમના તેજમાં તણાય છે, આપણાં અનેક રત્ન તેમની દોડાદોડમાં ચંપાઈ જાય છે ને ધુળધાણી થાય છે, આપણાં અન્નમાં તેઓ ભાગ પડાવે છે ! પણ આ સર્વની સાથે કપિરાજે તને વચન કહ્યાં તેથી સમજ કે આપણો ને તેમનો અર્જુન મૂળ એક છે – એ અર્જુન ધર્મરાજનો ભાઈ છે – તેમને તેમ આપણે यतो धर्मस्ततो जयः ની જ સિદ્ધિ માન્ય છે ! આટલું આટલું છતાં આપણે અર્જુને આ ખાંડવવનમાં સળગાવેલા દાવાગ્નિમાં સપડાઈશું તો તે કોનો દોષ ? કપિલોકનો ? તેમનામાં વાલી ને સુગ્રીવ ઉભય છે ત્યારે આપણામાં હાલ તો રાફડાઓ જ છે, તેમાંના જન્તુઓ ક્ષુદ્ર અશક્ત ને જડ છે, ને આપણી પ્રકાશમયી મૂર્તિઓ છે તે આ મલિન રાફડાઓમાં ડટાઈ ગઈ છે ! આપણે તેને ક્‌હાડીશું ! કુમુદ ! ત્હારા મ્હારા હૃદયોનું અદ્વૈત આપણા રાફડાઓમાંનાં રત્નોને ધુળથી છુટાં કરી સંસ્કારી કરશે ને તેમના વધતા પ્રકાશથી આ રાફડાઓની માટી ઓગળી જશે ને તેને સ્થાને ત્હારા આ સ્પર્શમણિ જેવા અનેક સ્પર્શમણિના પર્વત આ દેશના ધરતીકમ્પને અંતે ઉભા થશે કુમુદ ! કુમુદ ! આપણી આંખેાથી આ પાસે પાસેનાં ખ-જેવાં–આકાશ જેવાં – સુખદુઃખ એકલાં દેખાય છે તે જોવાં મુકી દે, તેમનાં મોજાં ગણવાનો વ્યર્થ શ્રમ છોડી દે, અને તારા સ્પર્શમણિની સત્તાથી પેલા વિશાળ આકાશની પણ ઉપરના આકાશમાં વસતી આકાશગંગાનાં રત્ન જોવા માંડ ને આપણા દેશના ચિરંજીવીના તપોવનરૂપ કુરુક્ષેત્રમાં – ચાલ ! - આપણે ત્યાં ફરી લેઈએ ! વીતી વેળા ફરી નહીં આવે ! આજ હું ઘૌ છું– તું પૃથ્વી છે !”

“અખંડ ર્‌હો આ, અખંડ ર્‌હો આ, આપણી માઝમ રાત !”