પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૪

ભણી પુંઠ કરી આપણાં સ્વપ્નચારી પાત્રો દક્ષિણ દિશા ભણી દૃષ્ટિ કરી ઉભાં, તે નીચે ત્રિકોણાકાર ભારતવર્ષ ને તેની ત્રણે પાસે મહાસાગરની છોળો ઉછળતી દેખાઈ ને એ છોળોના પછાડાની ગર્જના છેક આમના કાનના પડદા સાથે અથડાવા લાગી. આ સર્વ જોવામાં તેઓ રોકાયાં છે તેવામાં પોતે ઉભેલાં હતાં તે તટની નીચે પાસેથી જ સ્વર સંભળાયો ને તેનો પ્રથમ અક્ષર કાનમાં આવતાં બે જણ કાન માંડી સાંભળવા લાગ્યાં ને સ્વરનું મૂળ આંખ વડે શોધવા લાગ્યાં. સ્વર સ્પષ્ટ હતો.

“उत्फुल्लार्जुनसर्जवासितवहत्पाश्चात्यझंझामरुत्-
"प्रेङ्खोलस्खलितेन्द्रनीलशकलस्निग्धाभ्युदश्रेणयः ।
"धारासिक्तवसुन्धरासुरभयः प्राप्तास्त एतेऽधुना
"धर्माम्भोविगमागमव्यतिकरश्रीवाहिणो वासराः॥"[૧]

સર૦– કુમુદ, આ જોયું છેટે કુરુક્ષેત્ર ? ત્યાંથી આ ધીર ગંભીર સ્વર આવે છે !

કુમુદ૦- આપણી પેઠે પૃથ્વીનો સ્પર્શ કર્યા વિના એના ઉપર દૃષ્ટિ રાખી જોતી જોતી આ કોઈ દિવ્ય છાયા છે.

સર૦– આ મ્હારો ચિન્તામણિ એ છાયાનું પ્રતિબિમ્બ ધારે છે ને અત્યાર સુધી અદૃષ્ટપૂર્વ હતી એવી કોઈ સુન્દરતા એ મણિમાં પ્રત્યક્ષ થાય છે.

કુમુદ૦– હા, હું પણ આપણા અદ્વૈતથી જોઉં છું.

સર૦– એ તો ભગવાન પરશુરામ પોતે જ ! વિષ્ણુના સર્વ અવતાર પોતપોતાના યુગનો ઉદ્ધાર કરી સ્વધામમાં ગયા ત્યારે આટલો અવતાર સર્વ યુગમાં આ દેશનો ઉદ્ધાર કરવા ચિરંજીવ રહેલો છે. રામાવતારમાં શ્રીરામે આ અવતારનું તેજ શાંત કરી, પોતાનું તેજ પ્રકટ કર્યું ત્યારથી આ શાંત જ્યોતિ પુરુષરૂપે પૃથ્વીનો ત્યાગ કરી પૃથ્વીના વાતાવરણમાં આ દેશના શિર ઉપર પોષક મેઘ પેઠે ફર્યા કરે છે, રાત્રે રાત્રે આ કુરુક્ષેત્રના ઉપરના ભાગમાં આવી વાસો કરે છે, ને આ દેશની અને આ ક્ષેત્રની ચિન્તા કર્યા કરે છે.

કુમુદ૦– એમણે કરેલા ઉદ્રાર સમજાયા નહી.

સર૦– અનેક યુગોના ચિરંજીવ આ અવતારની અકેકી ઘડીમાં આપણાં વર્ષોનો સમાસ થાય છે. બ્રાહ્મ તપમાં વિઘ્નકર થતાં સહસ્ત્રાર્જુન જેવો મર્દનીય પણ સંસારના કલ્યાણને અર્થે અન્ય પ્રસંગે કૃષ્ણાવતારમાં


  1. ૧. માલતીમાધવ ઉપરથી.