પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૫

પ્રિય ગણેલો અને હવે પરિપાક પામી ઉત્ફુલ્લ થતો અર્જુનદેવ અર્જુનવૃક્ષ પેઠે ચારે પાસ પોતાની વાસથી સંસારને સુવાસિત કરી રહ્યો છે તે સુવાસને સંસારમાં પ્રસારતો પશ્ચિમનો પવન આ નીચેના પ્રદેશમાં વેગથી વાઈ રહ્યો છે, મહાસાગરોમાંથી ઉત્પન્ન થએલી સમૃદ્ધ મેઘમાળાઓને આ પવન આ દેશમાં આણે છે ને વર્ષોવે છે, તેની ધારાઓથી પૃથ્વીનો સુગંધ ઉંચે ઉડે છે, અને મનુષ્યોનાં શરીરો ઘડીમાં પરિસ્વેદ - પરસેવા – થી ન્હાય છે ને અકળાય છે ને ઘડીમાં પવનના ઝપાટાથી પરસેવાને સુકાતો અનુભવે છે ! આ દેશનાં મનુષ્યોમાં કલ્યાણકારક સુખદુઃખના આવા વારાફેરા થતાં પરશુરામજી અત્યારે પ્રત્યક્ષ કરે છે અને કુરુક્ષેત્ર ઉપરની મેઘમાળાઓ વચ્ચે પોતાના આશ્રમમાં ફેરા ફરે છે, તેમની આ ગમ્ભીર વાણી આપણે સાંભળી.

કુમુદ૦– આ કુરુક્ષેત્ર એમને શાથી આટલું પ્રિય છે?

સર૦– આ એમના આશ્રમ નીચે જે વિશાળ મેદાન દેખાય છે તેને આપણા લોક હાલ પાણીપતનું મેદાન ક્‌હે છે, એજ સ્થાન પ્રાચીન કાળમાં કુરુક્ષેત્ર નામે પ્રસિદ્ધ હતું. કુમુદ ! જ્યારે જ્યારે આપણા દેશના ક્ષત્રિયોનાં ભાગ્ય અને દુર્ભાગ્યનાં બીજ રોપવાને ક્ષત્રિયો અને ક્ષત્રિયોના પ્રતિભટોના મહાભારત જેવાં યુદ્ધો થયાં છે ત્યારે આ રણક્ષેત્રમાં તે યુદ્ધોનો ટુંકો પણ ભયંકર અને છેલો નિર્ણય થયો છે. પાંડવો અને કૌરવોનાં પ્રચણ્ડ યુદ્ધ અઢાર દિવસ સુધી આ સ્થાને થયાં, લાખો શુરવીરોનાં ધડ એ જંગમાં પડ્યાં, અને મહાભારતના સ્ત્રીપર્વમાં એ અસંખ્ય શૂરવીરો પ્રેતરૂપે દેખાયા વર્ણવેલા છે. બીજીવાર ઉત્તર દેશમાંથી બાબર બાદશાહે આવી આ દેશમાંના મહારાજ ઈબ્રાહિમ લોદી સાથે મહાયુદ્ધ કર્યું તે પણ આ જ રણક્ષેત્રમાં થયું અને ચાળીશ હજાર વીરોનાં મડદાં આ સ્થાને રોળાયાં છે ! આ મરનારાઓની ભૂતાવળી ઘણા કાળ સુધી આ સ્થાનના યાત્રાળુને કારમી ચીસો પાડી ચમકાવતી હતી.[૧] અકબર બાદશાહના બ્હેરામખાને હેમુને હરાવ્યો તે પણ આ સ્થાને. પેશવાઓની મુછનો વાળ સદાશિવરાવ ભાઉ પણ આ સ્થાને જ રણજગમાં રોળાયો ને બે


  1. ૧. Sounds of wailing and terror were long heard by night on the field of battle (at Panipat) which was haunted. Abdul Kalar, the author of the Tarikhe Bedaumi, mentions having himself heard them, while crossing the field with a party, who, filled with awe, repeated the holy name of God as a preservative, and passed on.
    Erskine's History of India:
    Bahes, Battle of Panipat.