પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૬

લાખ યોદ્ધાઓ એની સાથે લોહીની રેલોમાં ડટાયા ! આ ભયંકર પણ સિદ્ધ રણક્ષેત્ર પાસેનાં પ્રાચીન હસ્તિનાપુર અને અર્વાચીન દીલ્હીના ચક્રવર્તી મહારાજના દિવ્ય વૈભવ આ યુદ્ધોમાંનાં લોહીની સિન્ધુ જેવી મહાનદીઓને તળીયે હજી સુધી દેખાય છે ! ક્ષત્રિયોના સંહારના આ ક્ષેત્રમાં, પોતાનાં કૃષ્ણાવતારના પ્રિયસખા અર્જુનની શરવૃષ્ટિઓના આ વિજયસ્થાનમાં, ચિરંજીવ ભગવાન પરશુરામ આટલી પ્રીતિથી રાત્રે રાત્રે વાસો કરે તેમાં શી નવાઈ છે ?

કુમુદ૦– એમના આશ્રમ નીચે કીયાં સત્ત્વ ફરતાં દેખાય છે ?

સર૦– “સૂર્યબિંબનાં કિરણ જેમ ચારે દિશાનાં સત્ત્વોને પ્રકાશિત કરે છે તેમ આ આશ્રમનો પ્રભાવ એની નીચે ચારે પાસના પ્રદેશમાં જણાય છે. એની નીચે તો આવું કુરુક્ષેત્ર છે જ. પણ એ ક્ષેત્રની એક પાસ સિન્ધ સુધી ને બીજી પાસ ગંગા સુધીના પ્રદેશમાં આ ચિરંજીવ મહાત્માની છાયામાં કુરુક્ષેત્રના બીજા અનેક ચિરંજીવો હજી સુધી વસે છે. પૂર્વમાં આપણે જોયેલા પિતામહપુર નીચે ગંગાનો પ્રદેશ છે ને ગંગાના પાણીમાંથી પેલા તેજરાશિ દેખાય છે તે ભીષ્મપિતામહના હજી સુધી ચિરંજીવ રહેલા ગંગામાં સુતેલા શરીરમાંથી નીકળે છે. એમની અાશપાશ શેષનાગ ચિરંજીવ થઈને એમનું સમાધિસ્થ દશાને વશ થયેલું શરીર જાળવી રાખે છે. વચ્ચે પેલો ધૂમકેતુ જેવો દેખાય છે તે ચિરંજીવ ગાંડા અશ્વત્થામા આખા દેશમાં – હિમાલયથી કન્યાકુમારી સુધી - દોડા દોડ કરી રહેલો છે. તે અત્યારે અત્યારે કુરુક્ષેત્રમાં આવે છે ને કોઈ દિવસ ડાહ્યો થાય છે તો કોઈ દિવસ ઉશ્કેરાય છે ને કોઈ દિવસ વળી અનેક ૫શ્ચાત્તાપથી તપ્ત થઈ મ્હોટે સ્વરે રુવે છે.

“પાંડવોએ હિમાલયમાં થઈ ત્રિવિષ્ટપમાં સ્વર્ગારોહણ કર્યું અને ત્યાંથી મેરુ પર્વત ઓળંગી ઉત્તરમાં ગયા છે. પારસી દેશમાં, યવન દેશમાં અને બીજા અનેક દેશોમાં તેઓએ ફર્યા કર્યું છે ને પાઞ્ચાલીની લક્ષ્મી પણ તેમની જોડે છાયા પેઠે ગઈ છે. પણ એ જ દેવીનો આ દેશમાં અવતાર હજી ચિરંજીવ છે તેની છાયા ગાંધર્વનગરની છાયા પેઠે આ ક્ષેત્રના શિરોભાગમાં પ્રતિબિમ્બિત થાય છે, તે કાળે ત્રિવિષ્ટપમાંથી અંહીં આવવાના માર્ગ સુધી પાંડવોની છાયા પણ જ્યાં હોય છે ત્યાંથી અંહી સુધી પથરાતી આવે છે. તે કાળે સર્વ ચિરંજીવે આ પાઞ્ચાલીની અાશપાશ તેનાં દર્શન કરવા આવે છે. એ કાળે વાનપ્રસ્થ દશામાં આ દેશમાં ચિરંજીવિની થયલી કુન્તી પાઞ્ચાલીની છાયા પાસે આવી બેસે છે.