પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪

તમારા શબ્દે શબ્દમાં તમારું કુળ જણાય છે તેને સટે રાજ્યના ઉચ્ચ સંસ્કાર પામવાનું સ્થાન દેશી રાજ્યો ન હોય તો તમને કોણ આપવાનું હતું ?”

મૂળરાજ હસતો હસતો બોલી ઉઠયો: “દેશી રાજ્યોને સ્વર્ગે મોકલી સુખી કરવાનો રસ્તો તો રાવસાહેબને ઠીક સુઝયો ! મહારાજ, મુંબઈમાં આવા સદ્દગૃહસ્થોની જ પાંજરાપોળ ભરી રાખેલી છે કે કાંઈ બીજા પ્રાણી છે?”

વીરરાવની આંખ આ અપમાનથી રાતી થઈ. તે તીક્ષ્ણ વચન બોલવા જતો હતો તેટલામાં તે પ્રસંગ અટકાવવા ચંદ્રકાંતે ચર્ચામાં ભાગ લેવા માંડ્યો.

“મૂળરાજ, અમારા રાવસાહેબ પુસ્તકોના કર્તા અને વર્તમાનપત્રના તંત્રી છે. દેશી રાજ્યોનો તેમને જાત અનુભવ નથી, પણ રાજ્યોનાં માણસો લખી મોકલે તેથી સઉ જાણે.– મહારાજ, જેવો વીરરાવને દેશી રાજ્યો પ્રતિ તિરસ્કાર છે તેવીજ મ્‍હારા મિત્ર સરસ્વતીચંદ્રને આ રાજ્ય ઉપર પ્રીતિ છે મને રજવાડાનો જાતઅનુભવ નથી, પણ મિત્ર પાસે મ્‍હેં ઘણાક પ્રસંગો સાંભળેલા અને ચર્ચેલા. મ્‍હારે આવે પ્રસંગે અભિપ્રાય બાંધવા પડેલા તે પરિપાકદશાને પામ્યા નથી, પણ જેવા છે તેવા દર્શાવવામાં કાંઈ દોષ લાગતો નથી. ”

મણિ૦ – “બેલાશક, બોલો. અમારાં છિદ્ર અને અમારા દોષ જાણવાને અમે અત:કરણથી આતુર છીયે.”

ચંન્દ્ર૦–“ મ્‍હારી કલ્પના પ્રમાણે અમારા લોકમાં સામાન્ય વર્ગ ઘણો છે, પણ રાજા અને સામાન્ય પ્રજાની વચ્ચે સૂક્ષ્મ પ્રસંગોએ કામ લાગવા અને એ ઉભય પક્ષની વચ્ચે મધ્યસ્થ થવા દ્રવ્યવાન અને સત્તાવાન એક ઉદાત્ત વર્ગ એટલે aristocracyની અમારે જરૂર છે. ઈંગ્રેજી રાજ્યના બળથી હાલ જે લોકમન્થન ચાલે છે તેને અંતે, દંહી ભાંગી છાશ પાણી એક થાય તેમ, દેશી રાજાઓની સત્તા ભાંંગશે અને અમારા જેવા પ્રજાવર્ગ સાથે તેઓ ભળી જશે. તોપણ બંગાળા ભણી જમીનદાર રાજાઓ છે તેમ આપણા રાજાઓ પણ ઈંગ્રેજી રાજ્યની અમ જેવી સામાન્ય પ્રજા અને રાજયકર્તાઓ વચ્ચે ઉદાત્તવર્ગરૂપ પગથીયું થશે, અને તે કાળે આજ જે જે દુ:ખ અને બંધન ભોગવવાં પડે છે તેમાંથી મુક્ત થઈ રાજાઓ સ્વતંત્ર ને સુખી થશે અને સર્વ દેશના કલ્યાણનું સાધન થશે એવી મ્‍હારી બુદ્ધિ છે.”

શંકર૦– “રાજાઓ રાજા મટી ઉદાત્ત વર્ગમાં ભળે તેથી તમને શો લાભ?”

વીરo– “સાહેબ, જે વાત હું કહેતો હતો તે જ અમારા આ ગુજરાતી ભાઈએ માખણ લગાડી કહી. ”