પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૯


સર૦- તમે અશ્વત્થામાને શરીરે આ પવિત્ર જળનો અભિષેક કેમ કરતા નથી ?

નાગ– હડકાયલા સત્ત્વને પાણી જોયાથી જે અસર થાય ને પિશાચગૃહીત સત્ત્વને અડદ છાંટ્યાથી જે અસર થાય તે અસર આ ગંગાજળથી આ ઉન્માદદશાવાળા ચિરંજીવને થાય એમ છે. આ બ્રાહ્મણને અને તેની સાથે આ દેશનો ઉદ્ધાર તેનો અવધિ આવ્યે થશે.

સર૦– એ બ્રાહ્મણમાં ને ઋષિમુનિયોમાં શો ફેર છે? એ શા માટે ગાંડો થયો છે ? તમે ક્‌હો છો તે અવધિ ક્યારે આવશે ?

નાગ– આજ કાલ આ રાફડાઓમાં હું બ્રાહ્મણજાતિને માથે તમારાં સર્વ દુઃખોને માટે આરોપ મુકાતો સાંભળું છું. તે આરેાપકતા એકદેશીય જ્ઞાનને લીધે છે: ક્ષત્રિયો પોતાનો ધર્મ ચુકે તે જેટલું નિન્દ્ય ગણાતું તેટલું જ બ્રાહ્મણ પોતાને ધર્મ ચુકે તે ગણાતું. કુરુક્ષેત્રમાં પ્રથમ આર્યલોક હતા, પછી મ્લેચ્છ લોક આવ્યા, અને હવે પાછા આર્ય લોક આવ્યા છે.

પો૫ટ– શું હવેના કપિલોક આર્યો છે ?

નાગ– હા. આ ત્રણે જણના યુગમાં એકલા બ્રાહ્મણો તો શું પણ સર્વ અન્ય વર્ણોમાં જે જે સુવ્યવસ્થાઓ રચાય છે તે સ્વધર્મસ્થ બ્રાહ્મણોથી જ રચાય છે. એ બ્રાહ્મણો મ્લેચ્છોમાં પણ અવતરે છે ને રાક્ષસોમાં પણ અવતરે છે. તેમના બ્રાહ્મણાવતાર ને તેમની બ્રાહ્મણબુદ્ધિની સિદ્ધિ અને પરિણતિ જોનાર ઓળખી શકે છે. તે જ રીતે સાધુજનોમાં દુષ્ટજનનો અવતાર પણ તેની બુદ્ધિથી અને વાસનાથી ઓળખાઈ આવે છે, [૧] શુદ્ધ મહારાજાઓમાં અશોક જેવા અવતાર ક્ષત્રિયરૂપે બ્રાહ્મણના જ થયા છે, મ્લેચ્છ મહારાજાએામાં અકબરશાહ જેવા અવતાર પણ એવા જ થયા છે, કપિલોકમાં પણ એવા જ અવતાર થયા છે, થાય છે, ને થશે. તમે જે ચકોરની વાણી સાંભળી તે પણ બ્રાહ્મણનો આવતાર છે. પક્ષી ! તું ક્ષત્રિયનો અવતાર છે ને - અશ્વત્થામા બ્રાહ્મણના દોષઅંશનો અવતાર છે, એ દુષ્ટ બ્રાહ્મણે પરશુરામ જેવાઓના


  1. अथोपपत्तिं छलनापरोऽपरामवाप्य शैलूष इवैष भूमिकाम् ।
    तिरोहितात्मा शिशुपालसंज्ञया प्रतीयते संप्रति सोऽप्यसः परैः ।।
    बलाबलेपादधुनापि पूर्ववत्प्रवाध्यते तेन जनज्जोगीषुणा ।
    सतीव योषित्प्रकृतिः सुनिश्चला पुमांसमभ्येति भवान्तरेष्वपि. ॥
    -माघ.