પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૦

સુદૃષ્ટાંતમાંથી કુદૃષ્ટાંતનો બોધ લીધો. ધર્મરથ ક્ષત્રિયોનો નાશ કરવા આ બ્રાહ્મણ અને તેના પિતા વિધર્મસ્થ થઈ યુદ્ધ કરવા નીકળ્યા. પણ દ્રોણ મહાત્માએ જયારે માત્ર ધર્મયુદ્ધ જ કર્યું ત્યારે આ દુષ્ટ બ્રાહ્મણે અધર્મહત્યાઓ જ કરી, સુતેલા નિદ્રાવશ શત્રુઓને હણ્યા, ઉત્તરાના ગર્ભને હણ્યો, રાત્રિએ વિમાર્ગગામી થઈ આ કૃત્ય કર્યું, બ્રહ્માસ્ત્રને દુષ્ટ કાર્યમાં યોજયું, અને અંતે અભિમાનથી શ્રીકૃષ્ણનું ચક્ર લેવાની પણ વાસના રાખી. અહંકાર અને મમતા એ આસુરી સંપત્તિનાં બીજ છે તે આ બ્રાહ્મણમાં ઉજ્જૃમ્ભણ પામ્યાં અને પાંડવોએ સમાપ્તિ પર આણેલા ધર્મવિજયનું કલ્યાણફળ નિષ્ફળ કરવા આ બ્રાહ્મણરૂપ અસુરે માયિક પ્રપંચ આરંભ્યા. અર્જુન અને કૃષ્ણપરમાત્મા જેવાઓને આનો નાશ કરવો કઠણ ન હતો. પણ અનેક પરિપાકના સંઘરૂપ સંસારની વ્યવસ્થા જાણનાર આ બે મહાત્માઓયે એને જીવતો મુક્યો ને શ્રીકૃણે તેનાં જે જે પાપ તેને મ્હોડે ગણી બતાવી શાપ દીધો તે શાપમાં એના મૃત્યુ કરતાં એની ચિરંજીવિતા વધારે શાપસાધક ગણી. આ દુષ્ટે બાલકોનો અને ગર્ભનો નાશ કર્યો તેટલા માટે જ શ્રીકૃણે શાપ દીધો હતો તે શબ્દો આ કુરુક્ષેત્રમાં રાત્રે રાત્રે સંભળાય છે - તે સાંભળો !

રાત્રિને આ પ્રસંગે શ્રીકૃષ્ણના શાપના શબ્દ [૧]કુરુક્ષેત્રનાં ઉંડાં કોતરોમાંથી સંભળાવા લાગ્યા અને તેના નાદના પ્રતિધ્વનિ કૌઞ્ચરન્ધ્ર સુધી થવા લાગ્યા.

“દુષ્ટ બ્રાહ્મણ ! સર્વ મનાવી લોક તને કાપુરુષ ગણી ઓળખે છે ! અનેક વાર પાપ કર્મનો કરનાર ! બાલજીવિતના ઘાતક ! તું હવે ત્હારા પાપકર્મનું ફલ સાંભળ ! ત્રણ સહસ્ત્ર વર્ષો સુધી આ પૃથ્વી ઉપર તું ચિરંજીવી થઈ ભૂતપ્રેતના જેવો સંચાર કરતો ફર્યા કરીશ. કદી કોઈની જોડે કાંઈ ઓળખાણ તું પામવાનો નથી. નિર્જન દેશોમાં જ્યાં કોઈની જોડે બેસવાનું નહીં હોય ત્યાં સાહાય્ય વિના તું ભટકીશ, જનપદમાં ત્હારી સ્થિતિ નહી થાય ! પર્વતોમાં ને અરણ્યોમાં, સર્વ વ્યાધિઓથી પીડા પામતો પામતો, લોહી અને પરુથી દુર્ગન્ધ મારતો, તું આ સંસારમાં ભટકજે ! અને જે ગર્ભનો ત્હેં ઘાત કરેલો છે તે ગર્ભને મ્હારા તપના બળથી હું પુનર્જીવન આપીશ ને તે ગર્ભ ત્હારી સર્વ આશાઓને ધ્વસ્ત કરી – આ દેશમાં જ્ઞાન પામશે, અસ્ત્રસિદ્ધિ પામશે ને દીર્ધકાળ રાજ્ય કરશે ! ને તે સર્વ જોતા જોતા તું બળ્યાં કરજે !”


  1. ૧. મહાભારત : સૌપ્તિક પર્વ