પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૨

આવી કંઈ કંઈ નીચ કર્મ કરે છે, દુષ્ટ બીજ વાવે છે, ને ફાવે છે ત્યારે પ્રકટ પણ થાય છે. જ્યાં સુધી એ ગાંડો ભમ્યાં કરે છે ત્યાં સુધી હું ગંગામૈયાના પવિત્ર જળમાં રહી પિતામહનું રક્ષણ કર્યા કરું છું. ક્યાં પિતામહની ભવ્ય સૃષ્ટિ અને કયાં આ ગાંડાના રાફડાઓ ! ક્યાં સૂક્ષ્મ અને મહાન્ અનુભવની વ્યવસ્થા અને કયાં ઘેલછાની કલ્પનાએ રચેલા ધુમાડાના ગોટા જેવા વ્હેમની, અને ક્ષુદ્ર ગતિવાળાં અંધ જન્તુઓએ પાડેલા ચીલાઓથી પડેલી રૂઢિઓની, અવ્યવસ્થા ! એ ગાંડો અંહીં આવે છે ત્યાંથી મ્હારે મ્હારી હજારો ફણાઓ માંડી સજજ થવું પડે છે !

પોપટ– એ રાફડાઓને કોઈ તોડી પાડે કે બાળી નાંખે તો ?

નાગ– એ રાફડાઓ અસંખ્ય જન્તુઓથી ભરેલા તેમના માળાઓ જેવા છે, તેમના મધપુડાઓ જેવા છે. તેનો નાશ કરવો એ શિવશક્તિનું કામ છે. મનુષ્ય તેનો સહસા નાશ કરશે તે એ રાફડા જેટલી વ્યવસ્થા પણ નહી ર્‌હે અને સર્વ જંતુઓના સંસાર ક્‌લેશમય થશે. પોપટ, એ રાફડાઓને એક પાસથી કપિલેાક ધીમે તાપે શેકે છે ને બીજી પાસથી અશ્વત્ત્થામાનું આયુષ્ય પુરું થતું જાય છે તે જ વ્યવસ્થા કલ્યાણકારક છે.

પોપટ– આ અવ્યવસ્થા આજ સુધી વધારનાર તો આ બ્રાહ્મણ જ !

નાગ– ના, ના. મ્હેં કહ્યું કે અશ્વત્ત્થામા તો પૂર્વ અવતારથી આસુરી સંપત્તિવાળો છે. પૂર્વ જન્મનો એ અસુર બ્રાહ્મણકુળમાં જન્મી અનેક વેશે ફરે છે. શુદ્ધ બ્રાહ્મનો તો મ્હારા જેવા નાગકુળમાં જ છે - તેને આ માનવીઓએ જોયા છે. અમે સર્વ સત્ત્વોમાં સર્વ ભૂતોનો એક જ અાત્મા પ્રત્યક્ષ કરીયે છીયે, પણ વ્યવહારમાં – માતાએ પુત્રની બાલ્યાવસ્થામાં વ્યવસ્થા રાખવાની છે તે પ્રમાણે – આ લોકમાં અમે જન્મ્યા માટે તેની વ્યવસ્થા રચીયે છીએ.

સર૦– તમારી વ્યવસ્થામાં ને પિતામહની વ્યવસ્થામાં શો ફેર?

નાગ– આર્ય ઋષિમુનિયોના અને રાજાપ્રજાઓના સૂક્ષ્મ અનુભવો વડે પિતામહનું આ દિવ્ય શરીર ઘણાં વર્ષોના બ્રહ્મચર્યથી બંધાઈ સમૃદ્ધ થયેલું છે. સ્વર્ગમાંથી આવેલી દિવ્ય બુદ્ધિગંગાથી એમનો જન્મ છે, પૃથ્વીના અનુભવથી એમનું આયુષ્ય ભરાયું છે. અમુક શાસ્ત્ર અમુક વર્ગના જ અનુભવથી બંધાય છે; ગંગાનાં શતમુખ જેવા શતમુખ અનુભવથી ભીષ્મ પિતામહે વ્યવસ્થાનો ક્ષીરસાગર ભર્યો છે તેમાં સર્વ શાસ્ત્રની નદીઓનાં પાણી ભળેલાં છે. અમે નાગલોક આ