પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૪


મીંચાઈને ઉઘડી તેના વચગાળાની વેળામાં એમના કાનમાં ચીસો, ગાન, અને રો-પીટના સ્વર પેંઠા ને આંખો ઉઘડ્યા પછી પણ બન્ધ ન પડ્યા પણ વધ્યા. પરંતુ આંખ આગળ તો માત્ર ચન્દ્રિકાને ચાદર પેઠે હોડી સુતેલા મેદાન વિના બીજું કાંઈ દેખાયું નહી. એ સ્વરો વચ્ચે આ શુન્ય ચન્દ્રપ્રકાશિત મેદાનમાં એમની પાંખો એમને વાયુના વેગથી ધકેલવા લાગી – ધકેલવા લાગી ક્‌હેવાનું કારણ એ કે એમનાં હૃદય આ સ્વરોથી એક દિશામાં ખેંચાતાં હતાં ને શરીરને બીજી દિશામાં આ ઝાડ કે પ્હાડ કે અન્ય પદાર્થથી શુન્ય દેખાતા મેદાન ઉપર પાંખો લેતી હતી. સ્વરો પોતાની સંખ્યા ને મિશ્રતાથી જેવા ભયંકર લાગતા હતા તેવું જ આ મેદાન પોતાની આવી શુન્યતાથી અને સાદાઇથી આ રાત્રિની વેળાએ ભયંકર લાગતું હતું.

આ મેદાનમાં નક્‌કુર પૃથ્વી ઉપર તેઓ હવે ઉભાં તો થોડે છેટે એક અતિવૃદ્ધ બ્રાહ્મણ લાંબો પડી ચતો સુતેલા દેખાયો. આમને જોઈ તે ઉભો થયો ને એટલો તો ઉંચો વધવા લાગ્યો કે એના વાળ વાદળાંમાં પ્હોચવા લાગ્યા. સરસ્વતીચંદ્ર અને કુમુદને આ રાક્ષસી મનુષ્યે હથેલીમાં ઉંચાં ઉચકી લીધાં ને પોતાના મુખ સામાં ધરી, વાદળું ગાજતું હોય એવા મ્હોટા સ્વરથી, ક્‌હેવા લાગ્યો.

“મને ઓળખ્યો ? હું પેલો અશ્વત્ત્થામા – જેણે સર્વ ક્ષત્રિયો, બ્રાહ્મણો, અને વૈશ્યોનું અને તેમની કળાઓનું નિકન્દન કર્યું - અં ! હં ! હં ! હં ! હં ! તમે પેલી વૈતરણીના જળમાં ન્હાયાં છો ખરાં ! કેવો દુર્ગન્ધ તમારા શરીરમાં એ જળનો પેંઠો છે ! એમાં ન્હાય છે તે ઘેલા થાય છે – ખસો ! ખસો !”

એણે આ બે જણને હાથમાંથી અદ્ધર મુકી દીધાં ને જ્યાં મુક્યાં ત્યાં પાંખો ઉપર ટકી ઉભાં.

સ૨૦ – ચિરંજીવી ! અમે ગંગાજળમાં ન્હાયાં છીયે.

અશ્વ૦– ગાંડા માણસ ! એ જ મ્હારી વૈતરણી ! એમાં જે ડાહ્યું હોય તે મ્હારે મન ગાંડું અને એનું ગાંડું તે મ્હારું ડાહ્યું મ્હારી સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી જુદી છે. હું બ્રહ્મા, વિષ્ણુ, અને રુદ્ર ત્રણેનું કામ સાથેલાગું એકઠું એકલો કરું છું ને આ સ્થાને તમે આવ્યાં છો તે મ્હારું પરાક્રમ જોઈ લ્યો !

અશ્વત્ત્થામાએ વેગથી દોટ મુકી ને અદૃશ્ય થયો તેની સાથે એકપાસથી રાફડાઓ નીચેનો મણિમય પ્રદેશ દૃષ્ટિગોચર થયો, બીજી પાસથી અકબર પાદશાહની બાંધેલી હવેલીઓ આકાશ વચ્ચે લટકવા