પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૫


લાગી, ત્રીજે સ્થાને પૃથ્વી પર શિવાજીનું સિંહાસન અને છત્ર શિવાજીની જીવતી મૂર્તિ સાથે ઉભાં થયાં, ચોથે સ્થાને કુરુક્ષેત્રમાં અર્જુનનો જયધ્વજ ઉડવા લાગ્યો, અને સર્વ સ્થાને સર્વ વ્યાપક ઈશ્વરનું પરમ જ્યોતિ પ્રકાશતું લાગ્યું, એ દેખાવ દેખાયો તેની સાથે જ ઉપરથી અનેક રૂપ ધરી અશ્વત્ત્થામા તે સર્વના ઉપર કુદકા મારી ભુસકા મારવા લાગ્યો, અને તે જ ક્ષણે જોતા જોતામાં આ સર્વ દિવ્ય વ્યવસ્થાને ઠેકાણે અનન્ત અવ્યસ્થા વ્યાપી ગઈ. મણિમય પ્રદેશનાં મણિયંત્ર તુટી ગયાં, મણિ ચારે પાસ ગડબડી ધુળમાં ને સમુદ્રમાં છુટા છુટા ડુબી ગયા, અને નાગલોક કોઈ ચંપાઈ ગયા તો કોઈ પાતાળમાં અનેક દરોમાં થઈ સરી ગયા, અકબરની હવેલીયોના કડકા થઈ છત્ર વિનાનાં ખંડેર ઉભાં રહ્યાં ને તે સર્વ ઉપર કેદખાનામાંથી પાદશાહ શાહજહાન રોવા લાગ્યો ને દોરાનું છુંટું પડેલું કાપેલું લોહીવાળું મસ્તક લેઈ એક થાળી આરતી પેઠે અદ્ધર ફરવા લાગી. શિવાજી મહારાજ પોતાના છત્ર અને સિંહાસનના કડકાઓ નીચે ડટાઈ ગયા અને તેમના વંશજોમાંનો એક મોઘલ જનાનામાં રમવા લાગ્યો ને બીજો સતારાના પારદર્શક બન્ધીખાનામાં, શીશીમાં ઉતારેલા ભૂતના જેવો, દેખાવા લાગ્યો. નીચે અર્જુનના રથધ્વજ ઉપર અશ્વત્ત્થામા કુદ્યો ને તેની સાથે રથ અદૃશ્ય થયો, અર્જુન જાતે સ્વર્ગમાં ગયો, અને પાંડવોનો વંશ નાશ પામ્યો – સાપ્તિક પર્વનાં ભયંકર ચિત્ર ખડાં થયાં. જ્યાં વ્યાસમુનિયે વેદની સંહિતા કરી હતી, મહાભારતની વ્યવસ્થા કરી હતી, અને એક ઈશ્વરનું જ્યોતિ થોડી વાર ઉપર અનવચ્છિન્ન એક શુદ્ધ પ્રકાશથી પ્રકાશતું હતું ત્યાં તે સર્વ વ્યવસ્થાદર્શનનું મન્દિર આ બ્રાહ્મણના કુદકારાથી કમ્પવા લાગ્યું. પળવારમાં એ સુન્દર મન્દિરના સર્વ ભાગોના સાંધે સાંધા છુટા થઈ તેના કડકે કડકા થઈ ગયા ને તે કડકાનો અવ્યવસ્થિત ઢગલો થઈ પડ્યો. એ ઢગલામાંના કડકા થોડી વારમાં ચારે પાસ લુટાવા લાગ્યા ને આખા કુરુક્ષેત્રમાં અશ્વત્ત્થામાની શક્તિથી નવી જાળ પથરાઈ ગઈ અકેકી શ્રુતિના અનેક પરસ્પર વિરોધી અર્થ થઈ ગયા. એક સ્મૃતિની ગાંઠોમાં બીજી સ્મૃતિની ગાંઠો ગુંચવાઈ ને ગાંઠો ઉકેલનારાથી જે ગાંઠ ઉકલે નહી ત્યાં તેઓ છરી લેઈને કાપ મુકવા લાગ્યા, અને અન્તે તે પણ ગુંચવારાનાં જાળને પડતાં મુકી ચાલી જવા લાગ્યા ને બીજા વટેમાર્ગુઓ એ જાળમાં ચાલતાં ચાલતાં ઉંધે માથે પડવા લાગ્યા. વ્હાણ ખડક ઉપર અથડાય ને ઉતારુઓ તેનાં ત્રુટેલાં છુટેલાં પાટીયાં ને લાકડાં હાથમાં આવે તે ઝાલી તરવાનું સાધન શોધે ને બાથોડીયાં મારે તેમ એક ઈશ્વરનાં