પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬પ૭

આંજવાથી એની એક આંખ ફુટી ગઈ હતી ત્હોયે બીજીમાં કંઈ અંજન આપવાની સળીને અહર્નિશ ઝીણી કર્યા કરતો હતો. કોઇક કડવા પદાર્થની વાટનો પ્રયોગ કરી આટલી આંખમાં પણ તે દિવસે દિવસે વધારે વધારે અંધકાર આણતો હતો. જંગલનાં પ્રાણીયોના દાંત ને ઝાડોમાંથી જાણ્યા અજાણ્યાં અનેક અંજન ને ઐાષધનો સંગ્રહ કરી પોતાની ચારે પાસ પાથર્યો હતેા. લીલાં પત્રનો રસ ને કોયલાની શાહીથી ભરેલો મેલો ખડીયો લેઈ તે ઘડી ઘડી ઉઠ બેસ કરતો હતો. ફરતો ફરતો ઝાડનાં પાંદડાં તોડી તે ઉપર ગમે તે દેવોનાં સ્તોત્ર લખતો હતો ને ગમે તે ભૂતપ્રેતના મંત્ર લખતો હતો. કોઈ સ્થાને એકદમ દ્રવ્ય મેળવવાના લોભથી એને નિધિવાદનો વ્યાધિ લાગ્યો હતો ને ધાતુવાદનો વાયુ વાયો હતો. પર્વતોમાંનાં અને જંગલોમાંનાં અનેક ખંડેરોના ચમત્કારોની વાતોમાં તે મ્હાયર હતો. ભૂત વળગેલાં માણસો ઉપર રાઈ નાંખતો નાંખતો તેમની લપડાકો ખાઈ ખાઈને એના કાન ચપટા થઈ ગયા હતા. એક જુનો તમ્બુરો આડો અવળો રાખી તેને બેસુર કરી વગાડતો હતો. આખો દિવસ માથું હલાવી હલાવીને તે મચ્છરના જેવો ગણગણાટ કરી મુકતો હતો. એણે અશ્વ-બ્રહ્મચર્ય લીધેલું હતું ને તેથી પ્રવાસ કરતાં કરતાં અંહી આવી એની આશપાશ વસતી વૃદ્ધ સંન્યાસિનીયોના ઉપર ને આવતી જતી શ્રદ્ધાળુ વિધવાઓ ઉપર વારંવાર સ્ત્રીવશીકરણનું ચૂર્ણ નાંખ્યાં કરતો હતો. એની પૂજાનો સામન કોઈ જરીક આડો અવળો કરે તો ક્રોધ કરી દાંતીયાં કરતો હતો ને કોઈ વેળા તે પૂજવાની દેવીના પણ ચાળા પાડતો હતો. કોઈ વટેમાર્ગુઓ એટલામાં ઉતારો રાખવાનું કરે તો તેમની સાથે લ્હડતો અને લ્હડતાં લ્હડતાં મારામારીમાં પડી જવાથી એનો વાંસો ભાગી ગયો હતો ને દાંત કોઈ પડ્યા હતા તો કોઈ હાલી ગયા હતા. બીજા કોઈ નવા આવેલા ધાર્મિકનો લોક આદર કરે તે જોઈ તેમના ઉપર દ્વેષ રાખતો હતો ને સંસ્કારરહિત હોવાથી ગમે તેમ વર્તતો હતો. એ લંગડો હોવાથી ધીમે ધીમે ચાલતો હતો ને બ્હેરો હોવાથી સંજ્ઞાથી – સાનથી – વાત કરતો હતો. શૂન્ય દેવાલયમાં સુવા જતો ત્યાં એને કૃષ્ણ સર્પ કરડ્યા હતા ને પુષ્પો તોડતાં ભ્રમરોએ દંશ દીધો હતો. હોળીમાં લોક એને ભાંગી તુટી ખાટમાં બેસાડી કોઈ વૃદ્ધ દાસી સાથે પરણાવતા હતા. ઘણાં ઘણાં મન્દિરમાં પ્રતિશયન કર્યા છતાં તે કંઈ ફલ પામ્યો ન હતો. અનેક બાધાઓ રાખેલી નિષ્ફળ ગયલી તે છતાં નવી નવી બાધાઓ રાખતો હતો. વિવિધ વ્યાધિઓથી