પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૭

ભંડાર જેટલાં મનુષ્યોને પ્હોચી શકે એટલાં ને જ માટે રાખી બાકીની વસ્તીનો સંહાર કરવો એવો ઈશ્વરનો મર્મ પૂર્વના યોગીયો ને પશ્ચિમના અર્થશાસ્ત્રીયો સમજે છે ને તે માર્ગે કોઈને સંપન્ન અને કોઈને વિપન્ન કરવું ઈશ્વરને ગમે તો તે માર્ગ અયોગ્ય છે એવું સિદ્ધ કરવા કીયા માનવની બુદ્ધિ સમર્થ છે?

“આવું છતાં મ્હારો બન્ધુ હનૂમાન ત્હારા આ શત્રુઓને વિષયે મ્હારા જેટલો જ જાગૃત ર્‌હેછે તે જો. દુષ્કાળ અને વ્યાધિયોને કાળે એની ચિન્તાઓનું, ઉજાગરાનું, અને શ્રમનું, સૂક્ષ્મ અવલોકન તું કરીશ તો તને દયા આવ્યા વિના નહી ર્‌હે. વાલી પેલા પશ્ચિમ દેશમાં રહી હનૂમાનને રામને નામ આજ્ઞાઓ કરે તો તેને વિષયે જાગૃત ર્‌હેવાને માટે હું હાલ એ દેશમાં ફર્યા કરું છું, કપિલોકનાં હૃદયને જાગૃત કરું છું, ને તારાની પોતાની ધર્મબુદ્ધિનું ને દયાનું પ્રોત્સાહન કરું છું.[૧] ત્હારાં બાળકને મ્હેં આ દેશમાં આ જ કાર્યને માટે આકર્ષવા માંડ્યાં છે તે તું જાણે છે.[૨] પૂર્વદેશ જ્યાં તું અમારાથી વિયુક્ત થઈ આજ રોતી સુતી છે – એ આર્યોના પૂર્વ દેશમાં પણ વર્તમાનપત્રો, કાન્ગ્રેસના[૩] સમાજ અને એવે અનેક રૂપે મ્હારી જાગૃતિની છાયાઓ સ્થળે સ્થળે ફરવા લાગી છે અને તે પણ હનૂમાનની ઇચ્છાથી જ થયું છે તે શું તું નથી જાણતી ? એ હનુમાનને અને સુગ્રીવનો સંયોગ કરાવી વાલીલોકપાસે જ ત્હારી પ્રજાને હનૂમાના અમાત્યયૂથમાં મ્હેં અધિકાર અપાવ્યો [૪] છે ને તેથી જ તો અમાત્યોને અનેક પ્રશ્નો [૫] પુછી ત્હારા પુત્રો તેમને ઉંચાનીચા કરે છે એ પણ મ્હારી જ છાયા છે – માટે પાઞ્ચાલી ધૈર્ય રાખ ને આશ્વાસન પામ. જયાં સુધી જયેષ્ઠબન્ધુ ધર્મનો અવતાર ત્હારે ત્યાં પ્રકટ થયો નથી ત્યાં સુધી હું જાતે તો શી રીતે આવું? ત્હારા સ્વયંવરમાં પ્રકટ પરાક્રમ કરનાર અર્જુન અને હું ધર્મરાજની પાછળ સાથે સાથે આવીશું – પણ હાલ તો મ્હારી છાયા જ !”

આ શબ્દ બંધ પડ્યો તેની સાથે ચારે પાસના પવનમાં, વૃષ્ટિની ધારાઓ પેઠે, દોરીયે લટકવા માંડી, વીંઝાવા લાગી, ને તે દોરીયોને સર્વ


  1. ૧. ઇંગ્લાંડમાં હીંદુસ્થાનને વિષયે જ્ઞાન અને સમભાવ ઉત્પન્ન કરવા ઈંડીયન કમીટી વગેરેના યત્નો વડે.
  2. ર. આ દેશના દેશીઓ ઈંગ્લાંડમાં અને પાર્લમેંટમાં કેવળ દેશકલ્યાણને ઉદ્દેશી જવા લાગ્યા છે તે વિષયનો આ ધ્વનિછે.
  3. ૩. હીંદુરસ્થાનના ગવર્નર જનરલ લોર્ડ ડફરીનની સૂચનાથી ઈંગ્રેજ મહાશયોએ કાન્ગ્રેસની સ્થાપના કરી છે તે વિષયનો વિસ્તાર મદ્રાસમાં છપાયલા "Indian Politics” માં મી: ડબલ્યુ. સી. બેનેર્જીએ લખેલી પ્રસ્તાવનામાં આપેલા છે.
  4. ૪. નવા કાઉન્સીલ એક્ટથી.
  5. પ. ઈંટર્પૅલેશનના પ્રશ્નો