પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૯

“પાઞ્ચાલી ! હું હાલ ત્હારી પાસે આવી શકતો નથી – મ્હારો પ્રવાસ હજી આટાપાયો નથી ! કામ બહુ છે ને વેળા ઓછી છે – ને - ને - જ્યેષ્ઠ બન્ધુ ધર્મરાજાના અને ભીમના પ્હેલો હું ત્હારી પાસે શી રીતે આવું ? મને પામવાને તરત તો ત્હારા પુત્રોને સમુદ્રમાં ચરવા મોકલ. उन्द्र इच्चरतः सखा । [૧] મ્હારા પિતા ઇન્દ્ર હરનાર ફરનારના મિત્ર છે – બેસી ર્‌હેનારના નથી – એવું શ્રુતિ વચન છે - ને પાઞ્ચાલી ! એ શ્રુતિની તું દાયાદ છે ! ને એ શ્રૌત ઇન્દ્રને હું પુત્ર છું, એ પિતાનાં અંગમાત્રમાંથી ઉત્પન્ન છું, એના હૃદયમાંથી જાયેલો છું, પુત્ર નામે હું એનો આત્મા જ છું ! કલિયુગરૂપે ત્હારી પ્રજા સુઈ રહી છે તેને બેઠી કર, ઉભી કર, હરતી ફરતી કર ! – અને ફરશે ત્યાં કૃતયુગને – સત્યયુગને – પામશે એવો મ્હારા પિતાએ રોહિતને ઉપદેશ કરેલો છે તે ત્હારી પ્રજાને માટે જ છે !– તે સફળ થશે જ ! – તે કાળ આવે ત્યાં સુધી તો – મને અવકાશ નથી - કામ બહુ છે ને વેળા ઓછી છે ! ત્યાં સુધી વિયોગ જ ! – પણ ધૈર્ય રાખજે – જાગૃત થજે – પૂર્વે ત્હારી કન્યાવસ્થામાં ત્હારા સ્વયંવરમાં જેણે તને મેળવી હતી તે હવે દીર્ધકાળ સુધી તને સુની નહી મુકે !”

આ શબ્દ બન્ધ પડ્યો પણ વાયુરથનો વાયુ ચાલતો જ રહ્યો. તેવામાં ક્રૌંચરન્ધ્ર ઉપર આવીને ધર્મરાજની કેવળ છાયા નહીં પણ મૂર્તિ જ આવીને ઉભી ને અર્જુનના રથને સ્થિર રાખી તેની દોરીયોને રાજદંડ પેઠે ઝાલી ઉભી રહી તેની સાથે મુકુટધર ધર્મનો સ્વર તે દેરીયોના તારમાં વીજળીના ધક્કા પેઠે ગયો ને ચમકવા લાગ્યો.

“પાઞ્ચાલી ! ચારે ભાઈઓનું અંહી આવવું મ્હારા આવવા ઉપર આધાર રાખે છે ને મ્હારું આવવું મ્હારા હાથમાં છે એ સત્ય છે, પણ મ્હારા હાથપગ મ્હારા હૃદયના સૂત્રધારની ઇચ્છાનુસાર ચાલે છે તેનો તને અનુભવ ક્યાં નથી ? મ્હારી ત્હારી પ્રીતિ આપણા ધર્મસહચારમાં જ છે, ને તે પ્રમાણે સહચાર ન થઈ શક્યો ત્યારે જેવી રીતે આ ચાર બન્ધુઓને મુક્યા તેમ જ તને પણ હિમાલયમાં પડેલી મુકી હું આગળ ચાલ્યો ગયો છું. મ્હેં તને આપણા વનવાસસમયે[૨] સ્પષ્ટ કહેલું હતું કે ધર્મને માટે હું ત્હારો પણ ત્યાગ કરું – તે ત્યાગ કરવાનો મ્હારે પ્રસંગ આવ્યો ત્યારે મ્હેં તને ત્યજી. એ જ ધર્મથી હું ત્હારી પાસે તરત આવી શકતો નથી. ત્હારી


  1. ૧. “ઇન્દ્ર ચરનારનો સખા છે !” પ્રકરણ ૩૪ને મથાળેના શ્લોક.
  2. ૨. મહાભારત, વનપર્વ.