પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૦

પ્રજાને અશ્વત્થામાએ ભ્રષ્ટ કરી છે – તે મ્હારા સંસર્ગની અધિકારી નથી. તું પુછીશ કે હું કીયો ધર્મ છું ? તું પુછીશ કે અશ્વત્ત્થામાં ભ્રષ્ટ કેમ અને અનેક મ્લેચ્છોના દેશોનો પ્રવાસી હું ધર્મરૂપ કેમ ? તો સાંભળી લે. આ શરીર યમરાજના તેજથી જન્મ પામેલું છે; યશસ્વી પાણ્ડુમહારાજના રાજ્યનું દાયાદ થયલું છે; વ્યાસમહાત્મા, કૃષ્ણ પરમાત્મા, ભીષ્મ પિતામહ, અને ઋષિમુનિયોના ઉપદેશનું ધારક થયેલું છે, એ જ પરમાત્માએ બુદ્ધાવતાર ધર્યો ત્યારે મને પોતાના હૃદયમાં રાખી સંસારને સંસ્કારી કર્યો. તેમના હૃદયમાં ઉગેલાં પુષ્પોનો પરાગ લઈ હું બાખડીના ઝરથોસ્ત અને જેરૂસલમ નગરના બ્રહ્મર્ષિ – અવતારના રચેલા ઉદ્યાનોમાં પવન પેઠે અદૃશ્ય પણ સફલ આવાસ કરી રહ્યો, મ્હારા મુખ આગળ ત્યાં પણ સામો અશ્વત્ત્થામા આવી ઉભો. ત્યાર પછી હું આરબ લોકના દેશમાં થોડો કાળ ગયો ને ત્યાં પણ અશ્વત્ત્થામા વધારે રૌદ્રરૂપ ધરી આવ્યો એટલે હું ત્યાંથી પણ નીકળ્યો. યુરોપના અને અમેરિકાના અગ્રણી લોકે કે સ્વબુદ્ધિબળથી અશ્વત્ત્થામાને હાંકી ક્‌હાડ્યો અમે હું ત્યાં પાછા નવીન રૂપે ગયો તે ત્યાં ફરું છું. મ્હેં હવે સર્વ ધરતીને જોઈ લીધી છે, ને હાલના પ્રયાણમાં અમે પાંચે ભાઇઓ એકઠા છીયે તેથી અમે અનેક રીતે સંસિદ્ધ થઈ નિર્ભય વિચરીયે છીએ. પણ એ સર્વ વિરોચનનો અને બલિરાજાનો પ્રદેશ છે ને યદ્યપિ અહંતાનો ત્યાગ તે કરી શકયો છે તે પણ એથી વધારે દુસ્તર મમતાનો ત્યાગ તેનાથી થઈ શકતો નથી. કાળ આવ્યે તે પણ થશે. પાઞ્ચાલી ! પણ એ દેશની ધર્મસંપત્તિએ સ્થૂલ છે ને સક્ષમ નથી, ત્યારે ત્હારી પાસે હાલ સ્થૂલ કે સૂક્ષ્મ બેમાંનું કાંઈ નથી. હું ત્હારી પાસે કેવી રીતે આવું?"

"કપિલોક તેમના યૂથથી પરોક્ષ હોય, દૂર હોય, તો પણ યૂથપતિના શાસનની નિયન્ત્રણામાં[૧] તેમનાં હૃદય ર્‌હે છે ને તેમનો યૂથપતિ જાણે છે કે ક્ષુદ્રમાં ક્ષુદ્ર, દૂરમાં દૂર, અને મત્તમાં મત્ત કપિ તેનાં શાસનને સ્વીકારશે. England expects every man to do his duty. તમારે ત્યાં ઐક્યવાળાં યૂથ નથી, અને એવાં યૂથ થવાં ને ટકવાં કઠણ છે, તે પછી યૂથ-પતિની તો વાત જ શી ? શાસનનિયન્ત્રણ વિના વ્યવસ્થા નથી ને વ્યવસ્થા વિના ધર્મ નથી. તમારે ત્યાં તેમાંનું કાંઈ નથી તો ત્હારી પાસે હું કેવી રીતે આવું? Let India's sons learn too to know their duty and to do it.”


  1. ૧. Discipline.