પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૧


“પણ ત્‍હારે નિરાશ થવાનું કારણ નથી ત્‍હારી આશા ને નિરાશા થોડી થોડી ત્‍હારા હાથમાં છે. અનેક અનુભવથી બંધાયેલા પિતામહના સૂક્ષ્મ ઉપદેશ સંભળાવે એવો પિતામહના જડ થયેલાં શરીરને સચેતન કરવાના માર્ગ લે અને આજ સુધીનાં ત્‍હારા ને સર્વે સંસારના ઇતિહાસથી એ શરીરને પુષ્ટ કરી તેનાથી ઉપદેશ લેવાને સમર્થ ત્‍હારા પુત્રોમાંથી એક નીકળશે તો તેવા બીજા અનેક પુત્રો સમર્થ થશે ને ઉપદેશ લેશે. શ્રીકૃષ્ણે યુદ્ધનો ત્યાગ ન કરવાનું અર્જુનને સમજાવ્યું ત્યારે આ દેશમાં અશ્વત્ત્થામાએ જ્ઞાનનું ફળ ઐહિક ધર્મમાત્રનો ત્યાગ કરવામાં જ સમજાવ્યું છે! - અને ધર્મના શરીરમાં કોઈક અન્ય જીવને જ વસાવ્યો છે! પાઞ્ચાલી ! અહંતા ને મમતાનો નાશ થાય ને તેમના નાશથી કૃતકૃત્યતા અાવિર્ભાવ પામે તે રજોગુણનો નાશ છે ને તે યોગ્ય છે; પણ એ નિમિત્તે લોકસંગ્રહની નિષ્કામક્રિયાઓમાંથી નિવૃત્ત થવું એ તો સાત્વિક વૃત્તિને સ્થાને તામસી તન્દ્રાનો જ વિકાસ ગણી લેવો, એ વિકાસ નથી ઈચ્છયે। વ્યાસે, નથી ઈચ્છ્યો કૃષ્ણે, ને નથી ઈચ્છ્યો રામે કે જનકે એ વિકાસનો આવિર્ભાવ આ દેશમાં છે ત્યાં સુધી ધર્મનાં બીજ ઊપર ભૂમિમાં પડે છે, સાધુઓના સનાતન ધર્મને સ્થાને જડ પદાર્થોના આલસ્યધર્મ પ્રકટ થાય છે, અને અશ્વત્ત્થામાના વિકાસને માટે અનુકૂળતા થઈ જાય છે. અલક્ષ્ય પરમાત્માની ઇચ્છાથી આ લક્ષ્ય સ્વરૂપનો સમારંભ જામી રહેલો છે તેમાં કેવળ સત્યનો ધર્મ નથી પણ સત્ય અને ઋતનો સમાગમ જ ધર્મરૂપ છે. એ ઋતચક્રમાં ફરવું અને એ ઋતચક્રનો પ્રજાપતિ જે પ્રવાહમાં પાડે તેના ધર્મને જાણી લેવા અને સ્વીકારવા એ જ મહાબુદ્ધિનું લક્ષણ છે તે આ પાસે ઉભેલા નવા બાળક[૧]ની દીક્ષાથી એને આ દેશના જ ધર્મે સમજાવેલું છે તે ત્‍હારી પ્રજા સમજી નથી.

“ઋતનો મર્મ પશ્ચિમ દેશ સમજે છે; ત્હારી પ્રજા ઉક્તકાળે સમજતી હતી પણ હવે ભુલી ગઈ છે. નિત્ય સત્યનો મર્મ પશ્ચિમ સમજ્યો નથી ને આ દેશ સમજ્યો હતો ને હાલ કંઈક સમજતો હશે.- તેથી જ મ્હારો આ દેશને માટે પક્ષપાત છે, પણ પશ્ચિમ જે ઋત સમજે છે તેનું આ દેશને વિસ્મરણ છે – તેમાં આ દેશનો પ્રમાદ છે, માટે ધર્મનું બીજ મરુસ્થળમાં પડ્યું છે. ત્યાં હું ઉગું શી રીતે ?"

“પાઞ્ચાલી ! આ દેશના પ્રત્યગ્‌દર્શી મહાત્માઓએ મ્હારું જે તત્વ અને સત્વ સુદૃષ્ટ કરેલું છે તેનું પશ્ચિમને સ્વપ્ન નથી, ને એ મહાત્માઓએ


  1. ૧. સરસ્વતીચંદ્ર.