પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૫

આટલી વાણી વાયુરથની દોરીયોમાંથી નીકળી રહી તેની સાથે ધર્મ રાજાનું મુખ આકાશમાં ચન્દ્રની પેઠે અને ચન્દ્રની જોડે જ પાઞ્ચાલીના મુખચન્દ્ર ઉપર લટકી રહ્યું; અાની સાથે ચારે દિશામાં બીજા ચારે ભાઈઓનાં મુખ પણ ચાર ચન્દ્ર જેવાં પ્રકાશવા લાગ્યાં ને સાતમું પાઞ્ચાલીનું પોતાનું મુખ આકાશ અને પૃથ્વીના મધ્ય ભાગે ચળકવા લાગ્યું. કુરૂક્ષેત્રનો દેખાવ આ સર્વના સમાગમથી કંઈ નવીન દિવ્ય રમણીયતા ધરવા લાગ્યો. સાતે ચન્દ્રના શાંત પ્રકાશથી રાત્રિમાં અને પૃથ્વીમાં અપૂર્વ શાન્તિ પ્રસરી રહી. ચૌપાસનો પવન શાંત થઈ ગયો. દૂરનો ત્રણ પાસનો મહાસાગર શાન્ત સરોવર જેવો થઈ આ સમૃદ્ધ આકાશનું પ્રતિબિમ્બ પોતાના આખા વિસ્તારમાં લેવા લાગ્યો. હનુમાન પાઞ્ચાલીની એક પાસ હાથ જોડીને ઉભો ને અશ્વત્ત્થામા પણ ડાહ્યો થઈ બીજી પાસ ઉભો, ને આકાશમાં સ્વર સંભળાવા લાગ્યો.

“ પાણ્ડવો ! ઉભા ર‌હો ને ત્રિકાલદર્શી વ્યાસમુનિએ કાબે લુટેલા અર્જુનનું આશ્વાસન કરતી વેળા તમારી સંસિદ્ધિ દર્શાવી અર્જુનને કહ્યું હતું કે[૧]તમે ભાઈઓ હાલ સંસિદ્ધ થયા છો તો તમારે જવું જ ઉત્તમ છે, ને પાછો કાળ આવશે ત્યારે અર્જુનનાં ગયેલાં અસ્ત્ર પોતાની મેળે એના હાથમાં આવશે ! આ સત્ય પડવાની વેળા ચાલી ચાલી આવે છે તે જુવો !”

આ સ્વર સાંભળતાં પલંગપર સુતી સુતી પાઞ્ચાલી હાથ જોડી , હૃદયમાં સ્તવન કરવા લાગી અને વૃદ્ધ કુન્તી એને માથે અને છાતીએ હાથ ફેરવતી સામી દિશામાં જોવા લાગી ને આવેશથી, ઉત્સાહથી ને આનંદથી; ઉછળતી ક્‌હેવા લાગી: “વત્સ ! ઉઠ-ઉઠ-ને-આ આપણા પુણ્ય દેવતાની ઝાંખી કરી લે !

“કરથકી ગયાં શસ્ત્ર તો ભલે !
"ગૃહથકી જશે લક્ષ્મી તો ભલે !

  1. कृतकृत्यांश्च वो मन्ये संसिद्धान कुरुपुङ्गव ।
    गमनं प्राप्तकालं व इदं श्रेयस्करं विभो ।।
    एवं बुद्धिश्च तेजश्च प्रतिपत्तिश्च भारत ।
    भवन्ति भवकालेषु विपद्यन्ते विपर्यये ।।
    कालो बलवान् भूत्वा पुनर्भवति दुर्बलः ।
    स एवेशश्च भूत्वा हि परैराज्ञाप्यते पुनः ।।
    कृतकृत्यानि चास्त्राणि गतान्यद्य यथागतम् ।
    पुनरेष्यन्ति ते हस्तं यदा कालो भविष्यति ।।
    મહાભારત – મૌસલપર્વ,