પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮

ઝુંડો લેનાર અમારા દેશને મળશે ! એ અમારે પરમ લાભ – કે સરકાર, રાજાઓ, ને રૈયત સઉનું કલ્યાણ !”

પ્રવીણ૦ – શું તમે એવો અભિલાષ રાખો છો કે અમારે એ તમારા ઉદાત્ત લોક પેઠે તમને લાભ અપાવવા સરકાર સામે શસ્ત્ર ઉપાડવાની મૂર્ખાઈ કરવી ?

શંકર૦ - શું એવા રાજદ્રોહી વિચાર તમારા હૃદયમાં રાખો છો ? ગમે તો તમે તમારા અત્યુત્સાહના વેગમાં ને વેગમાં એવા અંધ બન્યા છે કે એ અભિલાષમાં રહેલો રાજદ્રોહ જોતા નથી, અથવા ગમે તો તમે જાણી જોઈને રાજદ્રોહી અભિલાષ રાખો છો.

વીર૦ – ભાઈ ચંદ્રકાંત, માખણ લગાવી લગાવીને પણ તમે આ પરિણામ આણ્યો ! ડાહ્યા થઈને સ્વીકારો કે આ મહાત્માઓ ઉદાત્ત પુરુષોનું વીરત્વ કે પ્રાજ્ઞત્વ બતાવવાને અશક્ત છે એટલું જ નહી, પણ મ્હારા તમારા જેવા રંક સામાન્ય મનુષ્યોના જેવું મનુષ્યત્વ પણ એમાં ર્‌હેવાનું નથી. વીલાયતના ડ્યૂક અને અર્લ સામાન્ય મનુષ્યોમાંથી નવા થતા ન હત તો જુના ડ્યૂક અને અર્લના દીકરાઓની થાય છે તેમ એ લોકની સર્વ ઉદાત્તતા શૂન્ય થાત. પણ ક્યાં એ દેશ ને ક્યાં આ ? એ લોક પડતા પડતા ટકે છે અને આપણા લોક તો ઉભા ર્‌હેવા જતાં પડવા માંડે તો તે પછી ઉભા ર્‌હી શકવાની આશા શી ? એમનાં મુખમાં તે હવે યવ ને તિલ મુકો કે એમનો આત્મા આ પશુદેહને છોડી નવા મનુષ્યદેહમાં સંચાર કરી ઉચ્ચ ગતિ પામે ! આ જુવો અમારા મુંબઈવાસી ન્યાયાધીશની સ્વતંત્રતા અહીં આવી મનુષ્યત્વ ખેાઈ રાજદ્રોહથી બ્હીવા લાગી ! રામ બોલો ! ભાઈ રામ !

વીરરાવના મુખમાંથી રાજાઓ સંબંધી આ વચન નીકળતાં સઉ રજપુતોના મુખ ઉપર ક્રોધ, આંખમાં લોહી, અને કપાળે ભ્રુકુટી, ચ્હડી આવ્યાં. માત્ર મણિરાજના મુખ ઉપર કોઈ જાતનો વિકાર જણાયો નહી. શંકરશર્માએ સ્તબ્ધ રહી સઉ સાંભળ્યાં કર્યું. રત્નનગરીના અધિકારીઓમાંથી છેલો બેઠેલો એક વૃદ્ધ પુરુષ ધીમે પણ સ્થિર સ્વરે બોલવા લાગ્યો :

“यथा यथा मुञ्चति वाक्यवाणम् ।
तथा तथाजातिकुलप्रमाणम् ।

મણિરાજના ગ્રાસીયામાંનો એક ઠાવકું મુખ રાખી બોલ્યોઃ “દાસીપુત્ર વિદુરજીના ભવનમાં એમના જેવા કુલીન જનોને યોગ્ય વચન નીકળે તો કોઈએ ક્રોધ પામવા જેવું નથી”