પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૮

કે બ્રહ્માનાં ? કપિલોકને પુછ. પૂર્વે કપિલોક અર્જુનના રથ ઉપર હતો તે આજ એની નીચે સૂત્રોથી લટકે છે - તે અર્જુનનું શુદ્ધ મુખ જોવાને સમર્થ થવા જેટલો ઉંચે ચ્હડશે ત્યારે આ વર્ષનું ગણિત કપિલેાક કરી શકશે ને તને કહી શકશે. પણ એ ભૂતકાળને મુકી વર્ત્તમાનને હું પ્રત્યક્ષ કરાવું છું તે તો તું જાતે જો !પાઞ્ચાલી ! એ ત્રણ સહસ્ત્રવર્ષો પરિપાક પામી હવે પુરાં થાય છે તે તું જો ! પાઞ્ચાલી ! જાગૃત થા ! પાઞ્ચાલી ! આ કાલપરિપાકનું મંગળ મુહૂર્ત સમીપ છે તે તું જો ને ઉત્સાહિની થા ! ક્ષત્રિયોનાં શિરમાંથી નીકળતાં અસ્ત્રો કરતાં બ્રાહ્મણના શિરમાંથી નીકળતાં અસ્ત્રની પરાક્રામવિભૂતિ જુદી જ છે ! અનાર્યો એને ઈશ્વરે સર્જેલો માને છે ખરા, પણ એ સૃષ્ટિનું રહસ્ય સમજવાની શક્તિ તેમનામાં આવી નથી; એ પણ ઐશ્વર્યનો મર્મ છે. ગાંડા અને હત થયેલા બ્રહ્મશિરમાંથી જો આવાં અસ્ત્ર આટલા યુગ સુધી નીકળ્યાં છે તો તે જ શિર પાંડવને વશ, ડાહ્યું, સ્વસ્થ, ને પ્રસન્ન હોય તો તેમાંથી કેવાં કલ્યાણકારક અસ્ત્ર નીકળે? પાંઞ્ચાલી ! આટલા યુગ સુધી ત્હેં આને આપેલું સ્તન્યપાન નિષ્ફળ નહી જાય. પાઞ્ચાલી ! હવે બ્રાહ્મયુગ પ્રવર્તવાનો છે ને તે કાળે આ બ્રહ્મશિરોસ્ત્રની વિભૂતિનો તને કલ્યાણકારક અનુભવ થશે. આ યુગમાં ક્ષત્રિયોનાં શસ્ત્ર અને અસ્ત્ર વિરામ પામશે ત્યારે માત્ર શુદ્ધ બ્રાહ્મણો જ યુગના પ્રવર્તાવનાર થશે. કપિલોકે ત્હારાં અસ્ત્ર લેઈ લીધાં છે ત્યારથી એ ભાવી યુગના પગના ધબકારા થવા લાગ્યા છે અને કપિલોકના હાથમાં ત્હારી પાસેથી લીધેલાં તો શું પણ તેમના પોતાના હાથમાં પોતે વસાવેલાં, અને મનુષ્યમાત્રના હાથમાં આજ દેખાતાં, શસ્ત્રાસ્ત્ર પણ વિરામ પામી જશે. એ યુગમાં તું કેવળ નિર્ભય થવાની છે. પણ તેની તને શ્રદ્ધા ન હોય, ત્હારું સ્ત્રીનું હૃદય ભયની કલ્પનાથી આવી શ્રદ્ધા છતાં પણ ભાવી સંગ્રામના ભયથી કંપતું હોય, અથવા ત્હારું ક્ષત્રિયાણીપણું ત્હારા હૃદયને એવા સંગ્રામનો અભિલાષ કરાવતું હોય અને તે અભિલાષની સિદ્ધિનાં સાધનોમાં ત્હારી ન્યૂનતાને લીધે નિઃશ્વાસ મુકતું હોય – આ સર્વમાંથી ગમે તે કારણથી બ્રાહ્મ યુગનો આવતો પવન ત્હારા શરીરને સ્પર્શ ન કરતો હોય, તો પણ આ કુરુક્ષેત્રનું માહાત્મ્ય સ્મરણમાં આણી લે ને તેનાથી જ આશ્વાસન મળશે."

“રામાવતાર કરતાં પણ મ્હારો અવતાર જેમ પ્રાચીન છે તેમ બુદ્ધાવતાર કરતાં પણ મ્હારું આયુષ્ય લાંબું પ્હોચ્યું છે ને હજી હું ચિરંજીવી રહીશ. તે સર્વ કાળમાં હું આ કુરુક્ષેત્રનું માહાત્મ્ય રચતો આવ્યો છું,