પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૦

શુભ નક્ષત્રમાં આવ્યા ત્યારથી આ ધર્મક્ષેત્ર બંધાયું, તે પછી ક્ષત્રિયોને નિયમમાં આણવા મ્હેં અવતાર લીધો ત્યારે પણ આ ખીણ પાસેનાં શૃંગોમાં મ્હેં મ્હારા બ્રાહ્મણાવતારનું પરાક્રમ દર્શાવ્યું. દેવોના સેનાપતિ કાર્તિક સ્વામીને હંફાવી આ સામું શિખર ભેદી ભીની માટી જેવું મ્હેં કરી નાંખ્યું ![૧]કૌંઞ્ચગિરિમાં એ મ્હોટું છિદ્ર પડ્યું ત્યાંથી તે પછી હંસોને માર્ગ થયો ને બ્રાહ્મણના પરાક્રમથી બ્રહ્માવર્તની બ્રાહ્મી સ્થિતિને યોગ્ય નવી તપોભૂમિમાં બ્રાહ્મણાવતારના યશનો ક્ષીરસાગર ઉભો થયો ! એ ક્રૌંઞ્ચરન્ધ્રની નીચેથી તે આણી પાસ આ બ્રહ્માવર્ત દેશ થયો. આ સ્થાનમાં પરમ પુરૂષનું વિષ્ણુત્વ વધારે છે કે રુદ્રત્વ, સંસારનું સંરક્ષકત્વ વધારે છે કે સંહારકત્વ, તે જગતને દર્શાવવાને માટે વૈષ્ણવ ધનુષ્યનું અને શિવના ત્ર્યમ્બક ધનુષ્યનું સામાસામી બળ અજમાવ્યું ને વૈષ્ણવ ધનુષ્યનું બળ વધારે નીવડયું ![૨] પાઞ્ચાલી ! આ ક્ષેત્રમાં શિવજી જગતનો સંહાર વધારે કરે છે કે વિષ્ણુ સંસારનું રક્ષણ વધારે કરે છે તેની આમ પ્રથમથી તુલના થઈ છે ને તેમાં અન્તે સિદ્ધ થયું છે કે આ ક્ષેત્રમાં સંહારને અન્તે ધર્મ પક્ષનું રક્ષણ થયું છે ને થવાનું ! આ બ્રહ્માવર્તમાં આ ધર્મક્ષેત્રનાં નામ પ્રત્યગદર્શી બ્રાહ્મણો એ મૂળથી આમ યથાર્થ પાડેલાં છે. ત્હારા આદિ યુગમાં આ ક્ષેત્ર, ક્ષત્રિયોનો ઘોર સંહાર કરી, ધર્મનું સંરક્ષણ કરી, શાંત થયું છે તે ત્હેં દીઠેલું છે ! આ બ્રાહ્મી સ્થિતિનું રક્ષક બ્રહ્માવર્ત્ત[૩],અને આ તેમનું ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર-હજી એવું ને એવું છે ને


  1. १. प्रालेयाद्रेरुपतटमतिक्रम्य तांस्तान् विशेषान्
    हंसद्वारं भृगुपतियशोवर्त्म यत्कौञ्चरन्ध्रम्
    तेनोदीची दिशमनुसरोस्तिर्यगायमशोभी
    X X X X X X X
    गत्वा चोर्ध्व दशमुखभुजोच्छवासितप्रस्यसन्धेः
    कैलासस्य त्रिदशवनितादर्पणस्यातिथिः स्याः ॥
    મેઘદૂત. (એના ઉપર મલ્લિનાથની ટીકામાં પ્રથમ પંક્તિયોની આખ્યાયિકા આપી છે ).
  2. २. રામાયણ.
  3. ३ ब्रह्मावर्तं जनपदमथ च्छायया गाहमानः
    क्षेत्रं क्षत्रप्रधनपिशुनं कौरवं तद्भजेथा:।
    राजन्यानां सितशरशतैर्यत्र गाण्डीवधन्वा
    धारापातैस्त्वमिव कमलान्यभ्यवर्षन् मुखानि ॥
    મેઘદૂત