પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૧

એની પરીક્ષા કરી જોનારને એવા જ ચમત્કાર દર્શાવે છે ! ત્હારા કાળના સંહારની સંજ્ઞાઓ છેક કાલિદાસના કાળમાં પણ જણાતી ગણાતી હતી ! [૧] બ્રાહ્મીસ્થિતિનું અને ધર્મનું પોષણ કરનાર આ સ્થાનમાં આર્ય અનાર્યનો ભેદ નથી, કહેવાતા બ્રાહ્મણ ક્ષત્રિયનો ભેદ નથી, દેવદાનવનો ભેદ નથી ! એમાં બે વાનાં જ થાય છે – અધર્મનો ધ્વંસ થાય છે, અને પરિણામે ધર્મનો – અને અર્જુનની પાસે મ્હેં જ કહેલી બ્રાહ્મી સ્થિતિનો – ઉદ્ભવ અને જય થાય છે ને તેથી નવા યુગનો આરમ્ભ થાય છે."

“પાણ્ડવોએ નવો ધર્મ-યુગ બેસાડ્યો ને યુધિષ્ટિરનો શક ચાલ્યો તે પછી ઘણે કાળે વિદ્વાન્ અને ધર્મિષ્ઠ બાબર બાદશાહે આ સ્થાનમાં કૌરવ પેઠે ઉભા થયલા લોદી રાજાઓનો પરાભવ કર્યો ને તેના પુત્રે પણ એજ ક્ષેત્રમાં જય મેળવ્યો ! મ્લેચ્છ દૈત્યોનો પરાભવ મ્લેચ્છરૂપે દેવોએ આ સ્થાનમાં કર્યો ! બાબર અને અકબરના ઉદયકાળે ને તેમના શત્રુઓને સંહારે આ ધમાક્ષેત્રનો ચમત્કાર દેખાડ્યો. પાઞ્ચાલી ! આ રાજાઓ ધર્મનો જ અવતાર હતા ને મ્લેચ્છો છતાં બ્રાહ્મી સ્થિતિને માર્ગે ચ્હડતા હતા. પાઞ્ચાલી ! ત્હારું કલ્યાણ તે જ કુરુક્ષેત્રમાંનો ધર્મ સમજવો ને આ રાજાઓ એ ધર્મને માર્ગે હતા.” [૨]

“એક કાળ એવો આવ્યો કે બ્રાહ્મણનામ ધરનાર રાજાઓ આ સ્થાન સુધી દક્ષિણમાંથી ચ્હડી આવ્યા. તેમના નાયકને દક્ષિણ-દેશમાં જય અને વિભૂતિ મળ્યાં હતાં અને અહંકારથી તેણે મ્હારું નામ ધારવા માંડ્યું, એ બ્રાહ્મણ નાયક ગમે તો આ ક્ષેત્રનું માહાત્મ્ય ભુલી ગયો ને ગમે તો પોતાનો અધર્મ–પક્ષ સમજી શક્યો નહી. શિવાજીના વંશરૂપ ધર્મવૃક્ષને અકારણ છેદનાર કૃતઘ્ન અને સ્વામિદ્રોહી રાજાના એ વંશજે, કૃષ્ણાવતારનું સુદર્શન લેવાને અશ્વત્થામાએ રાખેલા દુષ્ટ અભિલાષ જેવો અભિલાષ, આ ધર્મક્ષેત્રમાં, રાખ્યો ને મ્હારે નામે ઓળખાવા લાગ્યો. દુર્યોધનની નીતિ પાળનાર રાજાના આ સેનાપતિને


  1. ૧. પાછલા પદટિપ્પણના લોકમાં કુરૂક્ષેત્રને क्षत्रप्रधनपिशुन કહ્યું છેતેના અર્થ કરતાં મલ્લિનાથ ક્‌હે છે કે – अद्यापि शैरःकपालादि मत्तया कुरुपाण्डवयुद्धसूचकम्-“હજી સુધી ત્યાં મરેલાઓનાં માથાં ને કપાલ વગેરેજડી આવે છે તેથી કુરૂ-પાંડવના યુદ્ધનું આ ક્ષેત્ર સૂચક થાય છે. કાળિદાસકવિ કાશ્મીરમાં કોઈ રાજાના “Viceroy” “સુબા” ના કામ ઉપર હતો એમ કોઈની સૂચના છે.
  2. 2. Baber was the founder of a line of kings under whom India rose to the highest pitch of prosperity : Elphinstone.