પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૩

ત્ર્યમ્બકાસ્ત્રે કુરુક્ષેત્રમાં ઘોર સંહાર કર્યો, ને વૈષ્ણવાસ્ત્રે અતિબળ કરી નવા ધર્મને આકર્ષી આણ્યો ! પશ્ચિમના વિદ્વાનોએ ઘણા શોધનથી જાણ્યું છે કે રાજાઓના, રાજ્યોના, અને પ્રજાઓના ઉત્કર્ષની જન્મપત્રિકા જોવી હોય તો તેમાં ધર્મનો ગ્રહ કીયા સ્થાનમાં છે તે જોવું. [૧]પાઞ્ચાલી ! ત્હારા દીર્ધદર્શી યશસ્વી શ્વશુર પાણ્ડુરાજાએ સિદ્ધસંસ્કારથી આ રહસ્ય જાણી લીધું ને ધર્મને જયેષ્ઠપુત્રને સ્થાને માગ્યો ને કુરુક્ષેત્રના એ રાજાએ આ પોતાના મહાક્ષેત્રનો પ્રતાપ સમજી એ પ્રતાપ સાચવવાનો અભિલાષ રાખ્યો, ત્યારે અંધ ધૃતરાષ્ટ્રે એથી ઉલટી નીતિ સ્વીકારી પોતાની અન્ધતાને યથાર્થ કરી."

“પાઞ્ચાલી! કપિલોકની તને ભીતિ લાગતી હોય તો કુરુક્ષેત્રનું આટલું રહસ્ય અને સામર્થ્ય ભુલીશ નહી. વગરશસ્ત્રે વગરઅસ્ત્રે ધર્મબીજનાં ફળ કપિલોકના હાથમાં ગયાં તો આ ક્ષેત્રની શક્તિથી ને કપિલોકમાં પ્રતિષ્ઠિત થતા ધર્મના બળથી અને અર્જુનના ચાતુર્યથી ! એ ધર્મ તે ત્હારાં દ્‌હેરાંઓમાં ને મન્દિરોમાંનો નથી – એ દ્‌હેરાંમદિરમાંનો ધર્મ પાટણના સોમનાથને કામમાં લાગ્યો નથી ને પવિત્ર કાશીના વિશ્વનાથને પણ કામ લાગ્યો નથી. ત્હારા જ્યેષ્ટ સ્વામી ધર્મરાજાએ તને એ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે, ને કુરુક્ષેત્રે તને પ્રત્યક્ષ દેખાડી આપ્યું છે કે લોક-કલ્યાણને માટે પ્રકટ થતા સનાતન ધર્મનો માર્ગ એ જ આ ધર્મક્ષેત્રનો એક જ ધર્મ છે. અને એ જ ધર્મના ઉદયવડે આ ક્ષેત્રે વેળાવેળ ત્હારું કલ્યાણ રચેલું છે. તે પછી તું કપિલોકથી બીહે છે શા માટે ? તું જોતી નથી કે ક્રૌંચરન્ધ્રની પેલી પાસ ઋક્ષલોક [૨] બેઠા છે ? રામાવતારમાં અધર્મ સામે ધર્મનું પ્રયાણ થયું હતું તે કાળે જેવા કપિલોક ધર્મપક્ષમાં હતા તેવા જ ઋક્ષલોક પણ તેમની સાથે હતા. આ યુગમાં આ શૈલાધિરાજ હિમગિરિની બે પાસનો પ્રદેશ કપિલોક ને ઋક્ષલોક વ્હેંચી લેઈને ભોગવે છે અને કપિલોક તેની દક્ષિણમાં છે તો ઋક્ષલોક ઉત્તરમાં છે. કપિલેક વાનરલોક છે, ત્હારા નરલોકથી જુદા છતાં નરધર્મમાં મળતા છે ને ચતુરતામાં ને વ્યવસ્થામાં વધતા છે. ઋક્ષ લોક કઠોર છે અને નરધર્મમાં ઘણા પશ્ચાત્ છે, પણ તેમણે બોટેલા પ્રદેશમાં તેમના જેવાં જ અન્ય પ્રાણીયો વસે છે તેમાં તે શ્રેષ્ઠ છે. રામાવતારમાં કપિ અને ઋક્ષ, ધર્મના એક રથના, બે અશ્વ હતા. આજના કાળમાં તેમના


  1. ૧. પ્રકરણ ૩૪ ની છેલી ઇંગ્રેજી footnote.
  2. ર રીંછ.