પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૫

અને મ્હારો, થયા તે બે બ્રાહ્મણના અવતાર થયા. એ બે અવતારનાં પરાક્રમના પ્રદેશ ક્રૌંચરન્ધ્ર પાસે હતો, એક અવતાર, દાનવોની અને દેવોની વ્યવસ્થા કરવા થયો, ને બીજો જે મ્હારો અવતાર તે ક્ષત્રિયોની ને બ્રાહ્મણેની વ્યવસ્થા કરવા થયો. ક્ષત્રિયોનો સંહાર મ્હેં ક્ષત્રિયોનાં શસ્ત્રથી કર્યો ને બ્રાહ્મણોને પૃથ્વી સોંપી હું નિવૃત્ત થયો. પાઞ્ચાલી ! બ્રાહ્મયુગ રચવા માટે વિષ્ણુનું આ પ્રથમ પગથીયું હતું. વામન-અવતારમાં મ્હેં બ્રાહ્મણ બ્રહ્મત્વથી કેટલું લેઈ શકે તે દેખાડ્યું. મ્હારા અવતારમાં બ્રાહ્મણ ક્ષત્રિયત્વથી કેટલું લેઈ શકે તે દેખાડ્યું. બ્રાહ્મણોને મ્હેં પૃથ્વી સમગ્ર આપી તેનો એમણે ત્યાગ કરી દીધો : વિષ્ણુએ આપેલું નિષ્કંટક સામ્રાજ્ય પણ પાસે રાખવાની નિર્ધન બ્રાહ્મણોએ ના પાડી. એ જ એમણે બ્રાહ્મી વિભૂતિ દેખાડી, એ જ એમણે તૃપ્તિ દેખાડી; એમની વિભૂતિ અને તૃપ્તિનાં દર્શન કરાવી મ્હેં જગતને પવિત્ર અને શાન્ત કર્યું. દર્પવાળા ક્ષત્રિયોને મ્હેં દમ્યા; તેમનું દમન થયા પછી તેએાએ ક્ષાત્ર તેજ ખોઈ દીધું તેનો ઉદ્ધાર કરવાને રામાવતાર થયો ને તે કાળે એ બે વર્ગની વિભૂતિની વ્યવસ્થા થઈ. વિશ્વામિત્રના અસ્ત્રબોધથી, વસિષ્ઠના જ્ઞાનબોધથી, ત્ર્યમ્બક અને વૈષ્ણવાસ્તના સરખા શમનથી, મ્હારા જેવા બ્રાહ્મણ ને વાલી જેવા વાનરને રાવણ જેવા રાક્ષસ - એસઉના દમનથી, આ દેશના સર્વ વર્ગની રામચંદ્રે વ્યવસ્થા કરી. બ્રાહ્મણોનાં અને ક્ષત્રિયોનાં અસ્ત્રોથી સંસારની જે વ્યવસ્થા થાય તે મ્હેં અને રામચન્દ્રે મળીને કરી દીધી. તે પછી વ્યવસ્થા જાતે કરવામાંથી હું નિવૃત્ત થયો; કૃષ્ણાવતારમાં અસ્ત્ર ઝાલ્યાવિના મ્હેં પાણ્ડવોનું માત્ર સારથિપણું કર્યું. એ અવતારમાં રાજનીતિ અને રાજ્યનીતિના તેમ અહંકાર અને નિરહંકારના ભેદ જગતના સૂત્રધાર કેવા અધિકારથી થાય છે તે મ્હેં ક્ષત્રિયોને પ્રત્યક્ષ રચી બતાવ્યું. – એ અવતારમાં મ્હેં પાણ્ડવોને ઉત્પન્ન કર્યા, ઉપદેશ આપ્યો, સામર્થ્ય આપ્યું, અને એ યુગનું કાર્ય તેમની પાસે કરાવી, તેમને આ જ ક્રૌંચરન્ધ્રને અને પેલા પશ્ચિમ સમુદ્રને માર્ગે પ્રવાસે મોકલ્યા. પાણ્ડવો દેવ ન હતા પણ દેવના પુત્ર હતા, ક્ષત્રિયના પુત્ર ન હતા પણ ક્ષત્રિયના દાયાદ હતા, મનુષ્ય ન હતા પણ માનુષી આર્યોના મંત્રજાત પુત્ર હતા; એ બ્રહ્માની સૃષ્ટિનાં સત્ત્વ ન હતા પણ બ્રહ્માની પોતાની પેઠે નવી સૃષ્ટિના સ્ત્રષ્ટા રૂપે પ્રકટ થયા હતા.પાઞ્ચાલી એમનું