પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૬

શુદ્ધ સ્વરૂપ તું જાણે છે કૃષ્ણાવતારમાં તે મહાત્માઓએ એક પાસેથી પિતામહ અને દુર્યોધન જેવા ક્ષત્રિયોની તો બીજી પાસથી દ્રોણ અને અશ્વત્ત્થામા જેવા બ્રાહ્મણોની ઉગ્ર વ્યવસ્થા કરી દીધી હતી, અને એ બે વર્ણ ઉત્તમ રીતે ન વર્તે તો કોણે તેમનું પદ લેવું એ બતાવ્યું.

કૃષ્ણાવતાર કેવળ યોગી ન હતો, એ યોગ બ્રાહ્મણ અને ક્ષત્રિયોના વ્યવહારને ઉદ્દેશીને સંસારને પરિપાક આપતો હતો; કૃષ્ણાવતારે પાણ્ડવોને માટે યુદ્ધ નથી કર્યું પણ તેમને માટે સારથિપણું કર્યું અને તેમને ત્યાગ તો કરવો પડ્યો નથી જ. એ સારથિપણામાંથી પણ મુક્ત રહીને, એ ત્યાગ સંપૂર્ણ કળાથી કરીને, કેવળ યોગને બળે, કેવળ ઉપદેશને બળે, બુદ્ધાવતારે નવો યુગ પ્રવર્તાવ્યો. બ્રાહ્મણો અને ક્ષત્રિયો ઉભય દુષ્ટ થાય ત્યારે સંસારની વ્યવસ્થા કેવી રાખવી તે બુદ્ધાવતારમાં મ્હેં દર્શાવ્યું. બ્રાહ્મણો અને ક્ષત્રિયો જેવા અવચ્છિન્ન વર્ગોને મુકીને અનવચ્છિન્ન મનુષ્યજાતિ અને ભૂતમાત્રની વ્યવસ્થા એ અવતારમાં મ્હેં કરી. બ્રાહ્મણનામ ધારનાર પણ અબ્રાહ્મણ હૃદયવાળા ખોટા બ્રાહ્મણોનો પરાભવ કરવા અને સર્વભૂતાત્મક સર્વવ્યાપી કેવળ બ્રાહ્મણ હૃદયના વિજયની વ્યવસ્થાઓ મ્હેં એ અવતારમાં ઉભી કરી દીધી, ને બોધિસત્વોના હૃદયનાં બ્રહ્મતેજ પ્રભાતના સૌમ્ય સૂર્યપ્રકાશ પેઠે સ્ફુરવા લાગ્યાં. પાઞ્ચાલી ! ત્હારા આ દેશમાંથી મ્હેં તે કાર્ય કર્યું. એ વ્યવસ્થા બ્રહ્માવર્તના ક્રૌંચરન્ધ્ર ભણીથી અને બીજી પાસની બ્રહ્મપુત્રાનાં બ્રહ્મદેશમાં થઈને ત્રિવિષ્ટિપ [૧] માં અને ચીનમાં ગઈ અને સાગરને પણ તરી પેલે પાર ગઈ. પશ્ચિમમાં ગયેલા આર્યોએ અને તેમને માટે થયેલા અવતારે આ વ્યવસ્થાનો વ્યવહારિક ભાગ એ ખંડમાં સંસિદ્ધ કર્યો.

“આમ સર્વે અવતારો પોતપોતાના યુગનું કાર્ય કરી ગયા. હવે એ યુગનાં કાર્ય એકઠાં કરી સર્વ અવતારનું કાર્ય એક અવતારે કરવાનું; તે કરવાને હું ચિરંજીવ રહેલો છું. હવે વર્ણાચારના વિરોધનું બીજ નષ્ટ કરી દેવામાં આવશે. બુદ્ધાવતારે આ દેશમાં સર્વ વર્ણને એકાકાર કરી “ અધર્મ અને દુ:ખમાંથી મનુષ્યમાત્રને નિર્વાણ આપ્યું અને જીસસે પશ્ચિમ દેશમાં પણ તે કાર્ય કર્યું, તે છતાં વર્ણાચારના વિરોધ રહ્યા છે ને વધ્યા છે. આ દેશમાં અશ્વત્થ [૨] પેઠે વધી રહ્યા છે; તે અશ્વત્થામાને પ્રતાપે. પશ્ચિમ દેશોમાં રહેલા છે તે દુર્યોધનની નીતિને બળે પ્રકટ થતાં અટક્યાં છે, પણ એ નીતિને ધ્રુજાવવા


  1. ૧. ત્રિવિષ્ટપ = તીબેટ
  2. ૨. અશ્વત્થ = વડ