પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૭

ભીમપુત્ર ઘટોત્કચની રાક્ષસી માયા ત્યાં જામવા માંડી છે. તે માયા, કોઈ શ્યામ દૈત્યની ઘોર છાયા પેઠે, ક્ષણે ક્ષણે પૃથ્વીમાંથી નીકળે છે ને દુર્યોધનના મુકુટને ધક્કા મારે છે અને કર્ણ જેવા સૂર્યપુત્રનાં અસ્ત્રને નિષ્ફળ કરવા પૃથ્વીનું તળ ફોડી ઉંચી આવે છે.– એને એ લોક Nihilism વગેરે નામથી ઓળખે છે. દુર્યોધને ત્યાં અક્ષૌહિણી સેનાઓ ઉભી કરી દુ:શાસનને સોંપી છે તેને ભ્રમિત કરવા આ ભીમપુત્રની માયા-છાયા દિવસે દિવસે વધે છે !

“પાઞ્ચાલી ! બુદ્ધાવતારે મનુષ્યજાતિને માત્ર આવાં દુઃખમાંથી મોક્ષ પ્રાપ્ત કરતાં શીખવ્યો તે નિર્વાણ ક્‌હેવાયું. હું હવે એ જાતિને વધારે સિદ્ધ કરી કલ્યાણરૂપ ઉત્કર્ષ આપીશ, – આનન્દમય ઉદ્ધાર આપીશ. બુદ્ધાવતારમાં મ્હેં બ્રાહ્મણના હૃદયને દિગ્વિજય કરવા ચરતું મુક્યું હતું; હવે હું બ્રાહ્મણની બુદ્ધિ પાસે દિગ્વિજય કરાવીશ, અને એ બુદ્ધિએ રચેલાં યજ્ઞોપવીત – હૃદયબ્હાર નહી પણ હૃદયની માંહ્ય - ધરનારા બ્રાહ્મણો અનેક દેશે અનેક વેશે આ સંસારનું સામ્રાજ્ય કરશે, ને પાણ્ડવરૂપ પઞ્ચાગ્નિની સાધના કરશે ! હવે મનુષ્યમાત્ર ચાતુર્વર્ણ્ય પાળશે; શરીરમાં, ધર્મમાં, અને શૌર્યમાં ક્ષત્રિય થશે; દક્ષતામાં અને વ્યવહારમાં વૈશ્ય થશે; લોકસેવામાં શૂદ્ર થશે; અને મનોવૃત્તિમાં, વિકારહીનતામાં, નિરહંકારમાં, વિદ્યામાં, બુદ્ધિમાં, તપમાં, આર્યતામાં, અને તેજમાં બ્રાહ્મણ થશે. હવે મનુષ્યમાત્રના હૃદયમાં હું વસીશ, અને મ્હારા ચારે હસ્તથી દરેક મનુષ્યમાં ચાર વર્ણ અને પાંચ પાંડવના ઉત્કર્ષ આવી રીતે ઉંચા કરી રાખીશ. એ યુગની ઉદ્ધારવ્યવસ્થા રચવા બ્રાહ્મણ વિના બીજા કોની બુદ્ધિ સમર્થ છે ? પાઞ્ચાલી ! સર્વ યુગના પરિપાકરૂપ આવા બ્રાહ્મયુગને રચવાને હું ચિરંજીવ રહેલો છું ને મ્હારા બ્રાહ્મણોને દેશે દેશ મ્હેં જન્મ આપ્યા છે, એ યુગમાં સ્થલ અસ્ત્ર નકામાં પડશે અને અર્જુન પોતાનાં સૂક્ષમ અસ્ત્રનો યોગ ફરી પામશે – તેનાં અસ્ત્ર તેને પાછાં મળશે એવું વ્યાસ કહી ગયા છે તે આમ સત્ય પડશે. કૌરવો અર્જુનની સેવા કરશે અને પાણ્ડવમાત્ર ધર્મની સેવા કરશે. પેલા પશ્ચિમના ચકોર અને સુગ્રીવના ઉચ્ચગ્રાહ આજ આવનાર યુગનું આજથી દર્શન કરે છે. ત્હારા અશ્વત્થામાનો ઉદ્ધાર થયે એના મણિલાભ પછી એ જે બ્રહ્મશિરોસ્ત્રનો પ્રભાવ દર્શાવશે તે એ યુગને અપૂર્વ લાભ આપશે. આ પેલા રાફડાઓનો પરિપાક થયા પછી તેની નીચેના નાગલોક અને તેમના મણિના આવિર્ભાવ. અને