પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૮

ત્હારા પિતામહનો ઉદ્ધાર, – એ સર્વ, પાઞ્ચાલી, ત્હારા પુત્રો પાસે સર્વ સંસારના આ નવા યુગની વ્યવસ્થાના મહાયજ્ઞમાં અધ્વર્યુનું કામ કરાવશે, એ યુગમાં બ્રાહ્મયુગ થશે – તેમાંની સર્વ પ્રજામાં સર્વ દેશોમાં બ્રાહ્યણત્વ હશે ને મનુષ્યોનાં શસ્ત્રાસ્ત્ર કેવળ ભૂષણુરૂપ થઈ જશે. મ્હારી પૂર્વાવસ્થામાં મ્હેં ક્ષત્રિયમાત્રનો નાશ કર્યો હતો અને તેમનાં શસ્ત્ર બ્રાહ્મણરૂપે મ્હેં લીધાં હતાં. પણ હવેના યુગમાં ક્ષત્રિયત્વ નાશ નહી પામે પણ બ્રાહ્મણત્વના ઉપકારક સાધનરૂપે સર્વ મનુષ્યોમાં ક્ષત્રિયત્વ રહેશે ને બ્રાહ્મણત્વની આજ્ઞાથી સર્વ મનુષ્યોનાં શસ્ત્રાસ્ત્ર સર્વત્ર શાંત થઈ જશે. એવા બ્રાહ્મ યુગમાં કપિલોકાદિ જેવાં ભૂતમાત્રનાં શસ્ત્રાસ્ત્ર નિષ્ફળ અને નિરર્થક થશે. ત્હારાં શસ્ત્રાસ્ત્ર ખરી પડ્યાં છે ને એ અશસ્ત્રયુગ આવે છે તેનાં પગલાંનો ધબકારો પ્રથમથી દૂરથી સંભળાયો સમજ.”

“પાઞ્ચાલી ! તું અને ત્હારા પુત્રો તમારો ધર્મ સમજશો, ધર્મનું સ્વરૂપ જોશો, તો તમારાં વિકટ દુ:ખનો પરિપાક કલ્યાણરૂપ જ થશે અને તે પરિપાક થશે તેની સાથે ત્હારો જ્યેષ્ઠસ્વામી યુધિષ્ઠિર ત્હારા મન્દિરમાં આવવાની વાટ જોઈને જ બેઠો છે તે સામે જો ! ત્હારા પુત્રોનાં હૃદયને તેની છાયામાં, તેમની નીતિને અને ક્રિયાને અર્જુનની છાયામાં, તેમનાં શરીરને, બળને, ને સજ્જતાને ભીમની છાયામાં, ને તેમના અન્ય અંશોને અશ્વિપુત્રોની છાયામાં, સ્નાન કરાવી લે ! એ સ્નાનની કળા તેમને હનૂમાન શીખવે એવું એ કપિને પોષણ દેજે !"

“પાઞ્ચાલી ! પાઞ્ચાલી ! એ સર્વની તૈજસી છાયાઓમાં - એ સર્વ ચન્દ્રીની ચન્દ્રિકામાં – ત્હારાં કંઈક બાળકો અપૂર્વ સ્નાન કરવા માંડે છે, દીપાવલીની શૃંગારિત જ્યોત્સના જેવી જ્વાલાઓમાં ત્હારાં આ મધુર બાળકો જ્વાલામાલી થઈ જાય છે – તે રમ્ય ચિત્ર જો ! પાઞ્ચાલી ! એ નવા તૈજસ ચેતનનું પ્રેમથી પોષણ કરવા જાગૃત થા !"

“પાઞ્ચાલી ! આ બ્રાહ્મયુગનું કારણ અને સ્વરૂપ તને કહ્યું તે સમજી તેના કલ્યાણકાળમાં ભાગ લેવાનો અભિલાષ રાખ ! શરીરાદિમાં તું ક્ષત્રિય સત્વ અને તેજ પ્રાપ્ત કરીશ તે આજનાં મનુષ્યોના નખ [૧]જેવાં? થનાર શસ્ત્રનું કે અસ્ત્રનું ત્હારે બ્રાહ્મયુગમાં શું કામ પડનાર છે? દક્ષતામાં ને વ્યાપારમાં વૈશ્ય કપિલોકનાં શિષ્યત્વ ને સ્પર્ધા ત્હારા


  1. ૧. મનુષ્યો જંગલી હતાં ત્યારે નખને શસ્ત્ર પેઠે વાપરતાં; મનુષ્યો સુધર્યા પછી નખ ભૂષણરૂપ જ છે.