પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૯

પુત્ર સમજશે તે ત્હારા દેશને શાની ખોટ પડવાની છે જે ? નિષ્કામ લોકસેવાનો મહાયજ્ઞ તું માંડીશ તે શુદ્ધ લોક કરે છે તેવો પણ સર્વ લોકના ને ત્હારા સ્વામી પાંડવોના દાસત્વમાં પણ તને પરમાનંદનો અને પરમ કલ્યાણનો યોગ કેમ નહી થાય જે? અને બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ – જે શરીરને ક્ષત્રિયોની સંપત્તિ આપવા અને સર્વ વર્ણોનાં સત્વ પોષવા સમર્થ છે – જે આ બ્રાહ્મયુગનું તત્વ અને સત્વ થઈ ર્‌હેશે – જેના મહાયજ્ઞની જ્વાલાઓ સંસારે જોઈ છે અને જોશે – તે તો ત્હારું કુલધન – ત્હારું હૃદય – ત્હારો વારસો – તેને સુધારવો વધારવો – એ શું ત્હારા જ હાથની વાત નથી ? પાઞ્ચાલી ! તું એક છે પણ ત્હારા સર્વાંગમાં આ સર્વે ચન્દ્રનાં કિરણ રમી રહ્યાં છે તે સ્વપ્ન નથી પણ સત્ય છે ! એ સત્યનું – એ ઋતનું – તું પોષણ કરીશ તો આવતા યુગને માટે તું અાજથી અધિકારિણી થયાં કરીશ, અને આ ચન્દ્રોનું તેજ ત્હારા શરીરમાં ગર્ભરૂપે સ્ફુરશે તે ગર્ભનું સુપોષણ કરી તેને તું જન્મ આપીશ તો એ યુગની પૂજાને સમયે તેની આરતી તું જ કરીશ અને એ અલક્ષ્ય યુગનું સર્વને લક્ષ્ય દર્શન કરાવીશ !"

“પાઞ્ચાલી ! આ સાત ચન્દ્રના પ્રકાશમાં જેમ પેલાં હિમાચલનાં શિખર ઉપરના હિમરાશિ સ્પષ્ટ દેખાય છે, આ બીજી ત્રણે પાસનું મહાસાગરનું પાણી આપણાથી સ્પષ્ટ દેખાય છે, તેમ જ આ બ્રાહ્મયુગના પણ ચારે પાલવ તને સ્પષ્ટ નથી દેખાતા ? પાઞ્ચાલી ! એ યુગમાં ત્હારું બહુ કામ છે ! ત્હારું જ કામ છે ! ત્હારી આશપાશનાં મહાસાગરનાં મોજાંની પેઠે ત્હારી આશપાશ કપિલોક ઉછળી રહ્યા છે તે ત્હારા દેશનાં હવાપાણીને સુધારશે, અન્ય દેશોમાં જવાનાં ત્હારા પુત્રોને સાધન આપશે, અને રત્નાકર ત્હારો રત્નાકર જ થશે !તું અને ત્હારી પ્રજા, આ હિમાચળના શિખર ઉપરના હિમ પેઠે જડ થઈ, સ્થિર થઈ શીત થઈ બેઠાં છો. પણ એ ત્હારું શાંત દૂર એકાંત પડી રહેલું હિમ અને કપિલોકના વિસ્તીર્ણ ઉછળતા સાગરનું ખારું પાણી - ઉભય પાણી જ છે અને તે એકઠાં થઈ નવી સુન્દર સૃષ્ટિ રચશે ! પાઞ્ચાલી ! અગસ્ત્ય જેવી ત્હારી પ્રજાના શરીરમાં એ સાગર સંચાર પામશે, અને કપિલેાકમાં જે કોઈવર્ગ સગરપુત્રો જેવો ઉન્મત્ત હશે તેને ત્હારા આ હિમાચલમાંથી વહી જતી ગંગા શાંત, શીત, અને પવિત્ર કરી દેશે. પાઞ્ચાલી ! એ પવિત્ર કાળને માટે અને ત્હારા હિમરાશિના મીઠા જળના પ્રવાહોમાંથી ગંગાયમુનાઓના પ્રવાહ વ્હેતા મુકવાને માટે ઉત્સાહિની થા !