પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૩

સર૦- જેવું મન તેવું જગત, અને જગત તેવું મન. આવાં પુણ્ય સ્વપ્નનું જગત અને તમારા જેવું પવિત્ર મન ! એ ઉભયનો સંયોગ આવા જ દિવસને દેખાડે !

કુમુદ૦– આપના પવિત્ર મનની છાયામાં ઉદય પામી સ્વપ્ન જાગૃતના કરતાં વધારે બોધક થાય છે ને મ્હારા જેવીનાં મન દૃઢ થાય છે. આપ આજના સ્વપ્નનું વર્ણન પણ કાલની પેઠે લખશો ?

સર૦– અવશ્ય લખીશ. પરમ દિવસના સ્વપ્ને મ્હારા દુઃખનો આવેગ વધાર્યો હતો. કાલના સ્વપ્ને મને સ્વસ્થ કર્યો છે, સંતુષ્ટ કર્યો છે, ને મ્હારા ધર્મના માર્ગ મ્હારી દૃષ્ટિ પાસે સ્પષ્ટ તરી આવે છે.

કુમુદ૦– ગુરુજીનો પ્રયાસ સફલ થયો.

સર૦– તેમની તો કૃપા જ છે; પણ તેમની શક્તિથી જે મને મળે એવું ન હતું તે આજને સ્વપ્ને આપ્યું. કુમુદસુન્દરી ! મ્હારાં સર્વ પ્રિયજનને અને મ્હારા દેશને કલ્યાણમાર્ગ લેવાની ક્રિયા મને સાધ્ય થશે.

કુમુદ૦– શી રીતે ?

સર૦– આજ હું બ્હાર જવાનો નથી. આખો દિવસ આ જ વિચાર કરી સર્વ વાત મ્હારા હૃદયમાં સ્પષ્ટતમ સુવ્યવસ્થિત કરી દેઈશ ને સાયંકાળે તમને સમજાવીશ.

કુમુદ૦– એ સન્ધિનો સમય અને તે પછીનો સમય ગોષ્ઠિવિનોદથી દીપક થાય છે એ આપણે અનુભવ્યું છે; એ કાળે નિંદ્રા વિયોગ કરાવે તે સારું, અને આપણી વાર્ત્તા દિવસે કરીયે તે જ સારું.

સર૦- વાંકી વાળેલી અત્તરની શીશીયો ઢોળાતી ઢોળાતી બચી અને હવે તો દાટા દેવાઈ ગયાછે ! હવે આપણે નિર્ભય નથી ?

કુમુદ૦- પવિત્ર સ્વપ્નોથી ભરેલું આપનું હૃદય આવા ભયને અવકાશ નહી આપે એવું હું માનું છું. પણ હજી આપણું ત્રસરેણુક-જીવન કેવળ સૂક્ષ્મ નથી થયું ને સ્થૂલ શરીરને ભવસાગરમાં તરતું રાખવા પ્રયત્ન કરવો પડે એવો સંભવ ર્‌હેતો મટી નથી ગયો !

સર૦– આજનો દિવસ મ્હારી વિચારસિદ્ધિને આવશ્યક છે ને રાત્રિ તો તમે ક્‌હો છો એવી છે.

કમુદ૦- હું હવે ધારું છું કે બે રાત્રિના કરતાં ત્રીજીને આપણે વધારે પવિત્ર અને સ્વસ્થ કરી શકીશું. તો ઠીક છે. હું તરત જવાની આજ્ઞા માગું છું.