પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦


વાક્ય અમારા જેવું જ છે કે – कस्यचित्किमपि नो हरणीयं मर्मवाक्यमपि नोच्चरर्णायम् તેમાં મર્મવાક્યના ઉચ્ચારને અને ચોરીના અપરાધને એક જ ત્રાજવામાં મુક્યાં છે. તમે જે રાજાઓમાં ઉદાત્તતા જોતા નથી તેની ઉદાત્તતા આટલાથી જ પ્રત્યક્ષ કરો કે તમારી આટલી ગાળો સાંભળવા છતાં, તમને અતિથિ ગણી, તમને સામું એક વચન તે નથી ક્‌હેતા. તમે જે ઉદાત્તતા જાતે સમજતા નથી તે જ ઉદાત્તતાના ત્રણ અંશ – સહનશીલતા, ક્ષમા, અને ઔદાર્ય - મહારાજ મણિરાજમાં આ પ્રસંગે પ્રત્યક્ષ કરો અને સ્વીકારો કે તમારા અભિપ્રાયનો એક પાયો એ પ્રત્યક્ષ પાઠથી ભાગી ગયો અને આપણા રાજાઓનું ઉદાત્તત્વ તમે ધારો છે એમ એકદમ ભ્રષ્ટ થાય એવું નથી.”

“રાજદ્રોહની વાતમાં મ્હારે તમને અને રા. શંકરશર્મા એ ઉભય મુંબાઈવાસી ભાઈઓને ઉત્તર દેવાનો છે મી. વીરરાવ રાજદ્રોહનો વિચાર જ અકર્તવ્ય ગણે છે ત્યારે રા. શંકરશર્મા તેનાથી અસ્થાને ડરે છે.”

“વીરરાવજી, તમે વિચાર તે ઉચ્ચાર એ શાસ્ત્રનો આચાર પાળો છો. પ્રથમ તે આ શાસ્ત્ર જ અસત્ય છે. એ શાસ્ત્ર તમે જાતે જ સર્વત્ર પાળવાનું ઈષ્ટ ગણતા નથી. અત્યંત આજ્ઞાકર પુત્રના અંતઃપુરની વાતો કોઈ પિતા જાણવા ઈચ્છતો નથી, અને તેના ઉચ્ચાર ઇચ્છતો નથી. મનુષ્યના અર્ધા શરીરને દૃષ્ટિગોચર કરતાં કે કરાવતાં સંસાર કંપારી ખાય છે, અને સત્યના કેટલાંક ભાગને જોવાને આપણું જ્ઞાનેન્દ્રિય ના પાડે છે. વીરરાવજી, સ્વીકારો કે સત્યના ઘણાક અંશને પ્રત્યક્ષ કરવાની તમારે ના પાડવી પડશે ને એથી મ્હોટા અંશનો ઉચ્ચાર કરવાની ના પાડવી પડશે. તમારા ઉચ્ચારનું સૂત્ર અસત્યના પાયા ઉપર બાંધ્યું છે.”

“તમારું એ સૂત્ર મહાન્ અનર્થોનું મૂળ છે તેનો – તમારા જાતભાઈઓ, વર્તમાનપત્રવાળાઓ અને મરાઠા ભાઈઓ – બ્રીટિશ ઈન્ડિઆમાં અનુભવ કરાવે છે. બુલ્વર સાહેબ બીચારા આપણને કહી કહીને થાક્યા છે કે ઈગ્રેજો અને દેશીઓનાં ચિત્ત પરસ્પરની વિદેશીયતાને ભુલી જશે નહી અને બન્ધુભાવ પામશે નહી ત્યાં સુધી હીન્દુસ્થાન રાજાપ્રજાના પરસ્પર અવિશ્વાસમાંથી છુટશે નહી અને ત્યાં સુધી તેમાંથી કોઈનું કલ્યાણ થશે નહી. આ વિશ્વાસ અને આ કલ્યાણના માર્ગમાં જે કોઈ વિધ્ન નાંખે તે દેશદ્રોહી છે અને દેશદ્રોહી તે રાજદ્રોહી છે, તમો ભાઈઓની જીભ ઉપર એ દેશદ્રોહ અને રાજદ્રોહ નાચે છે અને તમારા દેશવત્સલ હૃદયને એનું ભાન નથી. ખરી વાત છે કે ઈંગ્રેજો સ્વાર્થબુદ્ધિ અને અવિશ્વાસનો સર્વતઃ