પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૦


સગાં સંસારનાં છોડયાં;
છુટ્યાં તેઓથી તરછોડ્યાં.
સુરમ્ય જ સાધુનો પન્થા;
ધરી લે–ચ્હાય તે–કન્થા.
હવે વિશ્વમભરે જ રચ્યો,
પ્રિયા, સંકેત, જો, આ મચ્યો !
પ્રિયા, સઉ શોક છોડી દે !
જડાઈ જા તું આ હૃદયે !
પ્રિયા ! સઉ શોક ત્યજને તું !
પરાપ્રીતિયજ્ઞ યજને તું !”

જુના હૃદયમાંથી આ નવા ઉદ્ગાર નવા વેગથી નીકળતા હતા એટલામાં સાધ્વીઓએ કુમુદને અંચળો આપ્યો ને તેણે તે પ્હેરવા માંડ્યા. કુમુદની આંખોમાં આંસુ છે કે નહી તે આટલે દૂરથી દેખાતું ન હતું. પણ એણે ભીનું શરીર લોહ્યું, જુનું રંગીન રાતું વસ્ત્ર બદલ્યું, ને નવું પ્હેર્યું – એટલામાં જ્ઞાતાજ્ઞાત સુન્દર અવયવો, ઉપર ઉભેલાની આંખને, કંઈ કંઈ સાનો કરવા લાગ્યાં. અંચળો પ્હેરાઈ રહ્યો ને કુમુદ સાધ્વીને રૂપે ઉભી ત્યાં એ સાનો બંધ થઈ ગઈને સટે વૈરાગ્યની મૂર્ત્તિ જેવી બાળાનાં દર્શન આજ જોનારના હૃદયમાં પવિત્ર સંસ્કારોને ભરવા લાગ્યાં. શાંત સ્થિર થઈ સરસ્વતીચંદ્ર એને જોઈ રહ્યો ત્યાં કન્થા ધરેલી કુમુદના સામી સાધ્વીઓ ઉભી રહી અને પરિચિત પણ સ્ત્રીકંઠની કોમળ ગર્જના કરી ઉઠી તે ઉપર સુધી સંભળાઈ કે–

“નન્દકો નન્દન એક આનન્દ દેત હય ! વિષ્ણુદાસજીકી જય ! ચન્દ્રાવલીમૈયા કો જય ! મધુરીમૈયાકો જય !”

થોડી વારમાં સર્વ મંડળ ચાલવા લાગ્યું અને ગુફાએાનાં છજાં નીચે અદૃશ્ય થયું. સરસ્વતીચંદ્ર શાંત થયો અને થોડીક વારમાં અન્ય વિચારોમાં પડી અંતે પોતાના સ્વપ્નનો ઇતિહાસ લખવામાં મગ્ન થયો. બે ચાર ઘડી એ લેખમાં ગાળી હશે એટલામાં કાને સ્વર સંભળાયો:–

“જી મહારાજની આજ્ઞા હોય તો ઉપર આવું.”

“નીરાંતે આવો.” સરસ્વતીચંદ્ર ઉભો થતો થતો બોલ્યો અને રાધેદાસ ઉપર આવ્યો.

રાધે૦- જી મહારાજ વિહારપુરીજી સંદેશો મોકલે છે કે આપના