પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૧

પ્રિય મિત્ર પ્રાત:કાળે યદુશૃંગ ઉપર આવશે અને તેમને ક્યાં વાસ આપવો તે પુછાવે છે.

“અવશ્ય જ્યાં હું છું ત્યાં જ લાવજો ” હર્ષમાં આવી સરસ્વતીચંદ્રે ઉત્તર દીધો.

રાધે૦– જેવી આજ્ઞા.

રાધેદાસ ગયો.

સરસ્વતીચંદ્ર વિચારમાં પડ્યો.

“ચંદ્રકાંત પ્રાત:કાળે આવશે – પણ કુમુદનું તે પ્રસંગે શું કરવું? મિત્રના સમાગમકાળને પ્રિયાના વિયોગનો પ્રસંગ કરવો ? કુમુદના સૂક્ષ્મ પરિતાપને કાળે, આટલા સહવાસને અંતે, તેને ક્ષણ પણ દૂર કરવી ધર્મ્ય નથી. પણ સંસારની દૃષ્ટિથી જોનાર અને સાધુઓની દૃષ્ટિનો અપરિચિત મિત્ર કુમુદને અંહી જોઈ શા શા સંકલ્પ નહી કરે અને મ્હારા ઉપરની એ મિત્રની પ્રીતિમાં શાં શાં વિઘ્ન નહી આવે ? મ્હારા પોતાના ભાગ્યના એ પરિણામના તર્ક હું શા માટે કરું છું? પ્રિય કુમુદ ! મ્હારા સંપ્રત્યયની અનુકૂળતા તને ગુપ્ત રાખવામાં જ હશે, ત્હારે એ મિત્રથી અદૃશ્ય ર્‌હેવું હશે, તો જોડેની ગુફા ત્હારે માટે છે ને નીચલો ખંડ મિત્રને માટે ર્‌હેશે. ત્હારે તેને મળવાની ઇચ્છા હશે તો તો મ્હારે કાંઈ વિચારવાનું જ નથી. મિત્ર મ્હારી શુદ્ધ પરીક્ષા કરશે તે મને સાધુવત્ લેખશે ને કુમુદના યોગનું એ અભિનન્દન કરશે, મ્હારી કથામાં શ્રદ્ધા રાખશે, ને મ્હારા પ્રીતિયજ્ઞમાં ઉત્તમ આશ્રય આપશે. મિત્ર મ્હારી અશુદ્ધ પરીક્ષા કરશે તો મ્હારો ત્યાગ કરશે, ને મ્હેં તો સર્વનો ત્યાગ કરેલો જ છે તે હું મ્હારો ત્યાગ બીજું કોઈ કરે તેમાં શો દોષ ક્‌હાડું ? એ મ્હારો ત્યાગ કરશે તેથી મ્હારા હૃદયની એના પ્રતિની પ્રીતિ ન્યૂન થવાની નથી. સંસારના સંપ્રત્યયનો અનુભવી એ વિદ્વાન એ સંપ્રત્યયોથી દોરાય તેમાં એની પ્રીતિનો દોષ શો ક્‌હાડવો ? કુમુદ સાથે હું નવીન ધર્મથી બંધાયો છું ને બંધાઉં છું ને તે ધર્મનો ઉદય, મ્હેં ધર્મથી કરેલા આમન્ત્રણને લીધે ને ધર્મથી પ્રાપ્ત થયલા અદ્વૈતને લીધે, થયો છે તો તેનો સત્કાર અનિવાર્ય છે ને તેને પ્રતિકૂળ થયા વિના મિત્ર સાથેના ધર્મનો જેટલો સત્કાર થશે તેટલો કરીશ ને નહી થાય તેટલો નહી કરું. સાધુઓનો સનાતન ધર્મ આ માર્ગ મને દર્શાવે છે તો બીજું કાંઈ વિચારવાનું નથી. સાધુજનો, તમારા સનાતન ધર્મના સર્વ પન્થ સુદૃશ્ય છે, ને સુખ તેમ શાંતિનાં કલ્યાણના દાતા છે. તમારા ધર્મમાં દૃષ્ટિને ભારે ગુંચવારા નથી ને જે