પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૩

જ બતાવતી હતી, અને જેવી રીતે તે સ્વપ્નમાં સહચારિણી થઈ હતી તેવી રીતે આજના જાગૃત વિચારોમાં પણ માત્ર વિચારરૂપે જ સહચારિણી થતી હતી. સૂર્યાસ્તથી પાંચ છ ઘડી પ્હેલાં તેના વિચાર સમાપ્ત થયા ને તેને અન્તે પોતાની ગુફાની ઉપલી અગાશીમાં ચ્હડી ચારે પાસના સૃષ્ટિસૌંદર્યને આ પુરુષ જોવા અને ભોગવવા લાગ્યો. એ ભોગ–મેઘના ઉપર વીજળી જેવી વાણી ચમકવા લાગી.

“શરીરની શક્તિયો શરીરના ભાગથી વધે છે ઘટે છે, તેમ મનની શક્તિયો મનના ભોગથી વધે છે ઘટે છે, અને શરીર અને મનના વિવાહથી સંયુક્ત અવસ્થાને પામેલી શક્તિયો એ બેના સંયુક્ત ભાગથી વધે છે ઘટે છે. અમુક માત્રામાં ભેાગને રાખવાથી આ સર્વ શક્તિયો વધે છે ને તે માત્રાની મર્યાદા તોડવાથી એ જ શક્તિયોને એ જ ભોગ ક્ષીણ કરે છે. આ માત્રાનું તારતમ્ય અંહીના સાધુજનો જાણે છે. પ્રાચીન આર્યો જાણતા અને આજના પાશ્ચાત્ય લોક જાણે છે. એ શક્તિયોના વિકાસથી ને સદુપયોગથી લોકનું કલ્યાણ છે. સર્વ શ્રમમાં, સર્વ તપમાં, સર્વ ઉદ્યોગમાં, સર્વ સુખમાં, સર્વ દુ:ખમાં, સર્વ ભોગમાં, અને સર્વ ત્યાગમાં, યોગ્ય માત્રા રાખ્યાથી આ કલ્યાણ સધાય છે અને તોડ્યાથી અકલ્યાણ સધાય છે. મ્હારા દેશમાં આ માત્રાના અજ્ઞાને દુઃખની હોળી સળગાવી છે ને મ્હારા દેશી બન્ધુઓની સર્વ શક્તિયોને ક્ષીણ કરી દીધી છે – તે શક્તિ વધારવાને મ્હારા વિદ્વાન બન્ધુઓના અને રાજ્યકર્તાઓના સર્વ પ્રયત્ન નિષ્ફળ થાય છે તેનું કારણ આ અજ્ઞાન અને આ અશક્તિ ! એ અજ્ઞાનનો ને અશક્તિનો નાશ અશક્ય નથી. આર્ય લેાક માનતા[૧] અને પાશ્ચાત્યો માને છે કે અગ્નિ દેખાતો કે ન દેખાતો હોય તો પણ કાષ્ઠમાત્રમાં ગૂઢ રહેલો છે તે પ્રમાણે આ દેશના આર્યોમાં જ્ઞાન અને શક્તિ સ્થળે સ્થળે ગૂઢ – dormant રહેલાં છે – અલખ રહેલાં છે. તે ગૂઢ દૈવતને પ્રકટ કરવાં, અલખને લખ કરવાં, કરાવવાં, એ હવે મ્હારો અભિલાષ, મ્હારો ધર્મ, અને મ્હારો પ્રકટવાનો મહાયજ્ઞ – તે અભિલાષની સિદ્ધિને માટે હું પૂર્ણ પ્રયત્ન કરીશ, એ ધર્મ-વિચારના આચાર પાળીશ, અને એ મહાયજ્ઞમાં આહુતિઓ આપીશ”

"અલખ રહ્યાં ગુણ શક્તિ નિરંતર
દેશકાળમાં સ્થળે સ્થળે;
તે સઉ અલખ જગાવું હવે હું !

  1. १ अग्निस्तेजोमहांल्लोके गूढस्तिष्ठति दारुषु.