પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૪


અલખ બનો લખ ! ભલે ! ભલે !
અલખ જગવવા હું અધિકારી !
લક્ષ્મી મ્હારી ભસ્મ કરું !
જનતા[૧] તે મુજ ભવ્ય દેહ, ત્યાં
ભસ્મ વિભૂતિ ધરી ફરું !
એ સંન્યાસ થકી પરિવ્રાજક
હું સંસાર-શ્મશાન તણો !
અલખ ખેલનો સાક્ષી બનું છું !
ભેખ રક્ત વૈરાગ્ય તણો.”

આ કવિતા ગાતાં ગાતાં સરસ્વતીચન્દ્ર ઉભો થયો હતો, ઉત્સાહમાં આવી હાથ ઉંચા કરી કરી ફરી ફરી ગાતો હતો, અને પોતે ગાય છે તે કોઈ સાંભળે છે કે નહી તેનો વિચાર કર્યા વિના ઉચ્ચ સ્વરો આકાશ સામું જોઈ ગાતો હતો. પણ એના સ્વગત-વાક્યોના[૨] આરંભકાળથી જ કન્થાધારિણી શોકગ્રસ્ત કુમુદ એની પાછળ આવી, બોલ્યા ચાલ્યા વિના, આવી, ઉભી રહી હતી, ક્ષણમાં ઉભી ઉભી આંસુ સારતી હતી તે ક્ષણમાં નીચું જોઈ વિચારમાં પડતી હતી, ક્ષણવાર સરસ્વતીચંદ્રના પૃષ્ઠભાગનું દર્શન કરી પ્રતિમાદર્શનકાળના જેવા યોગમાં લીન થતી હતી તો ક્ષણવાર નિઃશ્વાસ મુકતી હતી, અને પવનથી હાલતી કુંપળ પોતાની ડાળને વળગી ર્‌હે તેમ આ સર્વ અવસ્થામાં એમની એમ એક જ સ્થાને ઉભી રહી હતી. અંન્તે દીર્ઘ નિઃશ્વાસ મુકી, આંસુ લ્હોઈ, આગળ આવી અને સરસ્વતીચંદ્રને પગે પડી.

સરસ્વતીચંદ્ર કંઈક ચમક્યો પણ સ્વસ્થ બની પોતાને પગેથી કુમુદને ઉચી કરવા નીચે પડ્યો અને કોમળ કમ્પતી દેહલતાને હાથમાં સાહી ઉઠાડવા લાગ્યો.

“કુમુદસુંદરી !” સાધુજનોમાં આ આચાર પ્રશસ્ત નથી એવું ચન્દ્રાવલીમૈયાનું જ વાક્ય છે – માટે તમે ઉઠો.”

કુમુદ ઉઠતી ઉઠતી બોલવા લાગી “મને દીક્ષા આપો, મ્હારા શોકનો એક વાર નાશ કર્યો તેવો ફરી કરો, હું હજી સંસારિણી જ છું ને આ કન્થા પ્હેરવાથી કંઈ ઉત્કર્ષને પામી નથી. આપના ચરણસ્પર્શે એક વાર મને આપના મહાસ્વપ્નમાં સહચારિણી કરી પવિત્ર કરી છે તો બીજી વાર આ પવિત્ર ઉત્કર્ષક ચરણનો સ્પર્શ કરું છું તે એવા


  1. ૧. જનસમુદાય.
  2. ર. પોતાના મનને ક્‌હેલાં વાક્ય.