પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧

ત્યાગ નથી કરી શકતા પણ એના અપવાદરૂપ ઉદાત્ત ચિત્તોનો એ દેશમાં અભાવ નથી એમ કોન્ગ્રેસના આધારભૂત ઈંગ્રેજો અને રીપન જેવાઓ ઉપર દૃષ્ટિ કર્યા પછી કીયો દેશી ના કહી શકશે ? એ લોક આપણી ભાષા સમજી શકે તેના કરતાં એમની ભાષા આપણે વધારે સમજીએ છીયે, તેજ રીતે આપણું ચિત્ત એ લોક સમજી શકે કે ન શકે પણ યત્ન કરનાર દેશી ઈંગ્રેજનાં ચિત્તને વધારે સમજી શકશે. જે વધારે સમજે તેને માથે વધારે ધર્મ. ઈંગ્રેજેનો મ્હોટો ભાગ આપણા ઉપર વિશ્વાસ કરે કે ન કરે, પણ આપણા ઉપર એવા વિશ્વાસની વૃદ્ધિ કરાવવી એ આપણા હાથમાં છે અને જે વસ્તુની એમ આપણી શક્તિ ઉદય પામી છે તે શકિતનો ઉપયોગ કરવાનો ધર્મ આપણે માથે ઉદય પામ્યો છે. તમ ભાઈઓના સૂત્રનો આચાર એ ધર્મનો કેવળ ભંગ કરે છે, પોતાના ઉપર રાજ્યવર્ગનો નિષ્કારણ અવિશ્વાસ ખેંચી લેછે; અને ન ખવાય, ન રસ પડે, ન પેટમાં જાય, ન પોષણ કરે, અને કેવળ દાંત ભાંગે એવા ગાયના શીંગડાનું ભક્ષણ[૧] કરવાનો મૂર્ખ અને દુષ્ટ પ્રયત્ન કરવો એ મહાન્ અનર્થ તમારી જીભનું પરિણામ છે. આ તમારું જિવ્હાલૌલ્ય જ્યાં સુધી મટશે નહી ત્યાં સુધી તમે અજ્ઞાત પણ પ્રત્યક્ષ દેશદ્રોહના પાતકમાંથી ઉગરશો નહી અને પરદેશી અવિશ્વાસી રાજ્યકર્તાઓમાં ઉદાત્તતા તો ક્યાંથી જગાડો પણ આપણી ઉપરનો અવિશ્વાસ દિને દિને વધારશો અને તેમની અનુદાત્તતાના વાયુને વધારી એ વાયુના ઝપાટાઓને મૂર્ખ શાલ્મલિ પેઠે[૨]માથે વ્હોરી લેશો.”

“તમે દેશી રાજ્યમાંના નાત જાતના ભેદની ફરીયાદ કરો છે, પણ આપણી મુંબાઈમાં અને તમારા પુણામાં બીજું શું છે? આપણામાં દક્ષિણી અને ગુજરાતી, દક્ષિણમાં – શણવી પ્રભુ અને બ્રાહ્મણ,- મરાઠા અને બ્રાહ્મણ, એ બ્રાહ્મણોમાં દેશસ્થ અને કોંકણસ્થ -ચિત્તપાવન અને કરાઢા વગેરે કેટલા કેટલા ભેદને વ્યવહારમાં આગળ આણી અનેક સુધારાઓનો સત્ય નાશ વાળવામાં આવે છે? સત્ય વાત છે કે તમારા જેવા શુદ્ધ દેશવત્સલવીરે


  1. नशुष्कवैरं कुर्वीति बाहुभ्यां न नदी तरेत्।
    अनर्थकमनायुष्यं गोविषाणस्य भक्षणम् ॥
    दन्ताश्च परिमृज्यन्ते र्ससश्चापि न लभ्यते ॥ મહાભારત , શાંતિપર્વ
  2. મહાભારતમાં એક કથા એવી છે કે પવનના રાજ્યમાં શાલ્મલિ વૃક્ષે તેને નારદની પાસે ઉભાં ઉભાં ગાળો દીધી, નારદે પવનને કહી, અને પવનરાજે પોતાના બળનું ભય દર્શાવી શિક્ષાની ધમકી આપી ત્યારે ભયથી એ વૃક્ષ જાતે જ શીર્ણ થયો.