પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૯


કેવળ સૂક્ષ્મ પ્રીતિનો સંબંધ રાખીશ તો પણ જગત અપકીર્તિ કરશે ને માતાપિતાને અને સસરાજીને દુઃખ થશે તે જેવાની સહનશક્તિ મ્હારામાં નથી — તે જોવા કરતાં મરવું સારું.

સર૦– વાણી અને સ્ત્રી બેની સાધુતાને માટે આ દેશના જન ભવભૂતિ જેવાના કાળથી શંકાશીલ અને દુર્જન જણાયા છે [૧] તેમ હજી પણ જણાશે એવી તમને બ્હીક લાગે છે.

કુમુદ૦– એ બ્હીક ખેાટી નથી.

સર૦– કાળ આવ્યે એ બ્હીકનો ઉપાય કરીશું.

કુમુદ૦– આપની છાતી એટલી ચાલતી હશે. મ્હારી તો રજ પણ ચાલવાની નથી.

સર૦- આપણા લોકને સ્ત્રીનાં સાધુચરિત સમજાવવા આપણે પ્રયત્ન કરીશું.

કુમુદ૦– તેમ કરવા જતાં આપ રાફડાની ધુળમાં ડટાઈ જશો ને સ્વપ્નમાં એ ધુળ પાસે જવાનાં સાધન હતાં. તેમાંનું એક પણ આ જાગૃતમાં મ્હારી પાસે આવે એમ નથી. મારું હૃદય તો એ કલ્પનાથી જ કમ્પે છે. અમે અબલાજાતિ સ્વભાવથી બ્હીકણ છીયે તેથી સારું કામ પણ ગુપ્તપણે કરી સ્વસ્થ રહીયે છીયે ને તેને પ્રકટ કરવાથી ડરીયે છીયે.

સર૦– એ અનુભવ આજ તમે કરાવો છો તે ક્‌હો કે તમારા હૃદયને કીયા માર્ગથી સ્વસ્થતા મળશે ? જ્યાં મ્હારી બુદ્ધિ નકામી છે ત્યાં તમારા હૃદયને પુછવામાં કાંઈ બાધ નથી ને તેના વિના બીજા કોઈને પુછવાનું ઠેકાણું નથી.

કુમુદ૦- શું કરવામાં મ્હારી છાતી નહી ચાલે તે હું જાણું છું, પણ શું કરવામાં ચાલશે તે સુઝતું નથી. આપ લોકનું કલ્યાણ કરવાને શક્તિમાન થઈ શકશો - પણ તે, લોકમાં પ્રકટ થયા વિના, બને એમ નથી. એ કલ્યાણકાર્યમાં આપ પ્રવૃત્ત થાવ ત્યારે મ્હારા સહવાસ વિના સ્વસ્થ રહી શકવાના નથી ને એવે કાળે આપની સર્વ ન્હાની ન્હાની વાતોની સંભાળ રાખવાને આપને કુમુદ જેવી સહચારિણી આવશ્યક છે. છતાં કુમુદના સહચારથી આપ જ્ઞાતિબહાર થશો, લોકની નિન્દાના પાત્ર થશો, ને આપે લોકને પ્હેરાવવા ધારેલી પુષ્પમાળાઓને લોક સર્પ જેવી ગણી ફેંકી નાંખશે. હું એવું ઇચ્છું છું કે આપ સંસારમાં પ્રકટપણે


  1. यथा स्त्रीणां तथा वाचां साधुत्वे दुर्जनो जनः