પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨૦

ર્‌હો ને લોકનું કલ્યાણ કરો – પણ મ્હારો સહવાસ આપે સ્વીકારવાથી એ વાત આપને નિષ્ફળ થશે ને મ્હારો સહવાસ ત્યજવાથી આપના મનનું સ્વાસ્થ્ય થવાનું નથી ને આપના વિના મ્હારી પોતાની દશાની તો વાત જ શી પુછવી ? મ્હારી ઇચ્છા એવી છે કે આપ ચન્દ્રકાંતભાઈ જોડે જઈ મુંબાઈમાં પ્રકટપણે ર્‌હો ને મ્હારા જેવી પણ અકલંકિત અખંડિત કોઈ અન્ય સહચારિણીને ભાગ્યશાળી કરો ને મ્હારા ક્ષુદ્ર દુષ્ટ શરીરને આ ગિરિરાજના ખડકોની કોઈ ઉંડી ખેામાં કે પેલા સમુદ્રમાં બહુ જ સમાસ મળશે ! મ્હારે માટે હવે સંસારમાં કોઈપણ સ્થાન ખાલી નથી ને મ્હારા શબને માટે કોઈ પણ સ્થાન ન્હાનું પડે એમ નથી. ઓ મ્હારા વ્હાલા ! હું કહું છું એ જ સત્ય છે ને સર્વને માટે કલ્યાણકારક છે. હું તમને છેલા પ્રણામ કરી લેવાની આજ્ઞા માગું છું ને ઉઠું છું. મ્હેં આપને ઘણા દુઃખી કર્યા છે તે સર્વથા ક્ષમા કરો એવા આપ ઉદાર છો. ઓ મ્હારા વ્હાલા – મને ઉઠવા દ્યો ! આ એક કામમાં મ્હારી છાતી ચાલે છે !

આટલું બોલતી બોલતી આંસુથી ઉભરાતી રોતી કુમુદ ઉઠી હતી તે પાછી ફરી અગાશીના દાદર ભણી જવા લાગી. સરસ્વતીચંદ્રની આંખમાં આંસુ ઉભરાયાં, આ કરુણ દર્શન તે વધારે વાર જોઈ શક્યો નહી, ને, ધર્માધર્મની સર્વ શંકાઓને ગુફાની બ્હારના ખડકો ઉપર ફેંકી દેઈ, કુમુદને પાછળ જઈ એને પોતાની બાથમાં લેઈ લીધી, ને અગાશીના મધ્ય ભાગમાં એને છાતી સરસી ડાબી એના આંસુ લ્હોવા લાગ્યો, ને આંસુ લ્હોઈ એને છાતીથી જરીક દૂર કરી એનું મુખ પોતાના મુખ સામું ધરી પુછવા જાય છે ત્યાં કુમુદ શબ જેવી થઈ પૃથ્વી ઉપર ઢળી પડી ને સરસ્વતીચંદ્ર પોતાના હાથમાં ઝીલી લીધી ન હત તે અગાશીની બ્હાર વીસ હાથ નીચે પડી જાત ને એ નાજુક બાળા ચુરેચુરા થઈ જાત.

સરસ્વતીચંદ્ર હાથમાંની બાળાના મુખઉપર પોતાના મુખને નિઃશંક લટકાવતો લટકાવતો અને તેનાં બીડાયલાં નેત્રમાં પોતાનાં નેત્રની અશ્રુધારા સારતો સારતો ક્‌હેવા લાગ્યોઃ “ઓ મ્હારા ચન્દનવૃક્ષ ! ઓ મ્હારી કુમુદ ! હવે કાંઈ વિચારવાનું રહ્યું નથી, ત્હારે વિચારવાનો કંઈ પણ શ્રમ લેવાનો બાકી નથી ! સંસારના સર્વ પ્રકારોથી તું પોતાને મુક્ત થઈ સમજ – મને કોઈનું ભય નથી, હું કોઈ સાધુધર્મનું ઉલ્લંઘન કરતો નથી ! એવા ભય વિના, એવા ઉલ્લંઘન વિના, હું સર્વ રીતે ત્હારો છું