પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨૧

અને સર્વાવસ્થામાં લોકકલ્યાણ કરવાને સમર્થ છું - તેમાં ત્હારો સહવાસ વિધ્નરૂપ નથી એટલું નહી પણ ત્હારું અદ્વૈત મ્હારા મંગલ કાર્યમાં આવશ્યક છે ! ત્હારું આયુષ્ય ત્હારે માટે નહી – પણ મ્હારે માટે અને મ્હારા સદભિલાષોની સિદ્ધિને માટે આવશ્યક છે ! ઓ મ્હારી કુમુદ ! તું હવે ઉચ્છાસ પામ ! હું ત્હારો જ છું ! તું મ્હારી જ છે ! પવિત્ર સાધુજનોએ, દિવ્ય સિદ્ધાંગનાઓએ, અને ચિરંજીવીના દર્શનાધિકારે જે વાત સિદ્ધ કરી છે તેમાં રજ પણ શંકા ન કરીશ !”

આ શબ્દોમાંના આશ્વાસનથી કે એ બોલનારના શબ્દોચ્ચાર સાથે નીકળતા શ્વાસથી, એના હૃદયના અંતર્ભાગના સ્પર્શથી કે પ્રાણવિનિમયથી, એની પ્રીતિના સંપૂર્ણ વિકાસથી કે પોતાના કરમાઈ જતા આશા-પુષ્પ ઉપર પડતી મેઘવૃષ્ટિથી, કુમુદ જાગૃત થઈ, સરસ્વતીચન્દ્રના સ્કન્ધ ઉપર પોતાના હસ્ત ટેકવી એના જ કંઠના આધારથી, નીસરણી ઉપરથી પાછે પગલે બાળક ઉતરે તેમ, સરસ્વતીચન્દ્રના હાથમાંથી નીચે ઉતરી એના સામી ઉભી રહી, ને હાથ દૂર લેઈ આંસુ લ્હોઈ બોલવા લાગી.

“ક્ષમા કરજો ! વિચાર ન પ્હોચવાથી હું આ દશાને પામી હતી. હું મૂર્છાવશ ન હતી પણ વિચારવશ હતી ને આપનું ક્‌હેલું સાંભળ્યું પણ ખરું ને વિચાર સુઝ્યો છે પણ ખરો. આપના યોગને પામી, આપની સેવાનો અધિકાર પામી, આપના દુઃખનું કારણભૂત થનારી આત્મહત્યાને હવે હું શોધવાની નથી. સાધુજનો જે સત્ય ધર્મ પાળે છે તે ધર્મને માની હું સત્ય બોલવા, અને છું તેવી જગતની આંખે દેખાવા, હવે તત્પર છું. જો સનાતન ધર્મ પ્રમાણે આપણું અદ્વૈત છે, જો આપણે વરણવિધાન વિના હૃદયના વિવાહથી વરી ચુકેલાં છીયે અને એ વરણ આટલું અનિવાર્ય નીવડ્યું છે, જો આપ મ્હારા હૃદયના સ્વામી છો, તો પછી પૃથ્વી જેવી હું જ્યાં દૃષ્ટિ કરીશ ત્યાં દ્યૌ જેવા આપને જ દેખીશ ! માતાપિતા કરતાં અને એમનાં સુખદુ:ખ કરતાં પતિવ્રતાને મન સ્વામી જ વિશેષ છે, તો હું પણ એ ધર્મને અનુસરીને કંઈ પણ અન્ય વિચાર ન કરતાં, લોકલજજાને કે કૃત્રિમ શાસ્ત્રોને ન સ્વીકારતાં, સર્વ શાસ્ત્રનું શાસ્ત્ર આપણી પ્રીતિ છે તેને જ વશ થાઉં છું ! એ પ્રીતિ પિતાએ જ ઉત્પન્ન કરી છે, લોકવ્યવહારથી ભુલ ખાઈ આપેલું દાન ન આપ્યું ગણી મ્હારા કન્યાશરીરનું એ જ પિતાએ અન્યત્ર દાન કર્યું તે દાનના લેનાર પ્રતિ મ્હારો ધર્મ સમાપ્ત થયો છે, અને હૃદય તો પિતાએ મૂળ પ્રકટ કરેલા યજ્ઞની વેદી