પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨૪
Nor seeks nor finds he mortal blisses
But feeds on the aerial kisses
Of shapes that haunt thought's wildernesses.
He will watch from dawn to gloom
The lake-reflected sun illume
The yellow bees in the ivy bloom,
Nor heed nor see what things they be
But from these create he can
Forms more real than living man,
Nurslings of immortality.
One of these awakened me
And I sped to succour thee.
“A Spirit of the Mind:” Shelley's
Prometheus Unbound.

વૃક્ષના ઉપર વેલી વીંટાતી હોય તેમ અત્યારે સરસ્વતીચંદ્રના હૃદય ઉપર કુમુદ વીંટાઈ. તેનું સૂક્ષ્મ શરીર સ્થૂલ શરીરને ભુલી ગયું, કેવળ હૃદય હૃદયને જોવા લાગ્યું, અને મુખ તો માત્ર હૃદયના ગાનના વાજા જેવું થઈ ગયું.

સૂર્ય આકાશમાં પોતાનું તેજ મુકીને પૃથ્વીના સીમભાગની રેખા નીચે ઉતરી પડતો હતો અને તે તેજ પણ આ સૂમ દમ્પતીનાં અંતઃકરણમાં ઉતરી પડ્યું હોય તેમ થોડી વારમાં સ્થૂલ જગતમાં સ્થૂલ રાત્રિ પડી, અને એ રાત્રિ આ ચિરંજીવપ્રિય દમ્પતીને અજ્ઞાત આનન્દ આપવાને શક્તિમતી થાય એવું કરવાને ચન્દ્ર અને ચન્દ્રિકા સંપૂર્ણ કલાથી ઉદય પામ્યાં.

"કુમુદ ! પુરાણ પુરુષની સત્તા જેમ જગત માત્રને એક કરી લે છે તે જ પ્રમાણે આ ચન્દ્રિકા પણ જગતને એકાકાર એકાનન્દ કરતી નથી ભાસતી ?” સરસ્વતીચન્દ્ર ચારે પાસ દૃષ્ટિ ફેરવતો બોલ્યો.

કુમુદ૦– એમ જ છે – ને એ ચન્દ્રની ચિરંજીવતાનું રમણીય ફળ છે.

સર૦- અા દીર્ઘ પ્રહરવાળી રાત્રિને આપણે એક ક્ષણ પેઠે ગાળીએ એવો અભિલાષ મ્હારા હૃદયમાં આ ચન્દ્ર પેઠે ઉદય પામે છે.