પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨૬


"આજ સુધી મ્હારી પ્રીતિ સ્વાર્થી હતી. ભોગમાત્રમાં સ્વાર્થ છે ને ભોગની તૃષ્ણાથી થનારી પ્રીતિ સ્વાર્થની જ પ્રીતિ છે: યૌવન થઈ ર્‌હેતાં એ પ્રીતિનો નાશ થાય છે. મ્હારી પ્રીતિને હવે શારીરક ભોગની વાસના નથી. આ પ્રિયજનનું કલ્યાણ જોવું, એને હાથે લોકનું કલ્યાણ થતું જોવું – એ જ હવે મ્હારી વાસના છે. પાઞ્ચાલીદેવીના માથા આગળ કુન્તીમાતા બેઠાં હતાં તેમ આ મંગળ-મૂર્તિના શિરને લેઈ હું બેઠી છું - તે એમના મહાપ્રયાણમાં એમને વિશ્રાન્તિ આપવાને જીવી છું ને જીવીશ ! મન્મથ ! તું હવે બે જણનાં ઉરમાંથી ભસ્મસાત્ થયો છે. પત્નીનું અર્ધાંગનાસ્વરૂપ ઘણે પ્રકારે સધાય છે. જે મહાન્ કાર્ય એમને આરંભવું છે તેમાં હું એમની મન્ત્રી– મન્ત્રિણી – થઈશ, એમનાં સાધનમાં દાસી થઈશ, અનેક ક્‌લેશ ભરેલી એમની લોકયાત્રામાં એમના મનને અનુકૂલ થઈ એમની વિશ્રાન્તિનું સ્થાન થઈશ, અપરિચિત પ્રયાસથી એ ગભરાયા હશે ત્યારે કુન્તીમાતા જેવી થઈ ક્ષમા અને ધીરતા એમની પાસે રખાવીશ, એમના ગૃહસમ્ભારમાં ભોજનાદિ સર્વ પ્રસંગોમાં એમની વેદીને પુષ્ટ કરવામાં માતા વિનાના આ બાળકની માતા થઈશ. મ્હારા ગુણથી એમના કુલનો ઉદ્ધાર કરીશ,– સ્ત્રીએ કરવાનાં એ સર્વ કાર્ય કરીશ[૧] ! એ સર્વ વાતમાં એમની સ્ત્રી છું તે થઈશ. માત્ર શયનકાળે રમ્ભા થવાનો નિષેધ છે, ચન્દ્રાવલીની પેઠે તે નિષેધ પાળીશ, ને એટલી વાતમાં મ્હારા એમના દમ્પતીધર્મની કળા ન્યૂન ર્‌હેશે – તે પણ એમણે દર્શાવેલા બોધથી એમની સાથેના જ અદ્વૈતના બળથી – તેમાં દોષ નથી – ગુણ નથી. આખા દેશને એમણે પોતાનું કુળ કરી લીધું છે ને તેનો ઉદ્ધાર કરવા ઇચ્છે છે તેમાં હું એમની આમ ધર્મપત્ની થઈશ ને સ્થૂલ ભાગમાં વિરક્ત રહીશ ! પછી સંસાર મ્હારો કે એમનો શો દોષ ક્‌હાડશે ? ને મ્હારામાં દોષ ન છતાં સંસાર દોષ દેખશે તે દેખો.

"अपापेऽहं कुल जाता माये पापं न विद्यते ।
यदि सम्भाव्यते पापमपापिन्या हि किं मया॥[૨]

“આ મહાત્માને પ્રસંગે રંક કુમુદને આજ આટલું મને બળ આપ્યું છે. કુમુદ ! ત્હારામાં કાંઈ સત્વ નથી, સુન્દરતા નથી, કે પવિત્રતા


  1. ૧. कार्येषु मन्त्री करणेषु दासी
    भोज्येषु माता शयनेषु रम्भा॥
    मनोनुकूला क्षमया धरित्री
    गुणैश्च भार्या कुलमुदुरन्ती॥
  2. ૨. જુના શ્લોક ઉપરથી.